લાઠી શહેર અને આસપાસના વિસ્તારમાં ઉદ્યોગોના વિકાસ માટે વર્ષોથી પડતર GIDC (ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ)ની માંગણીને લઈને લાઠી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફરી એકવાર સરકારમાં ધારદાર રજૂઆત કરવામાં આવી છે. લાઠી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મેઘાભાઈ ડાંગરના જણાવ્યા અનુસાર, તેઓ ૨૦૦૪થી લાઠીમાં GIDC માટે માંગણી કરી રહ્યા છે. વર્ષ ૨૦૧૭માં સરકારે આ અંગે મંજૂરી પણ આપી હતી, પરંતુ તે માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત સાબિત થઈ હોય તેમ જણાય છે. ઉદ્યોગકારોની મુખ્ય ફરિયાદ એ છે કે લાઠી જેવા નાના કેન્દ્રમાં જંત્રીના દર ભાવનગર કે અમદાવાદ જેવા મહાનગરો કરતા પણ વધારે છે. આ ઉંચા દરોને કારણે નવા ઉદ્યોગો સ્થાપવા મુશ્કેલ બની રહ્યા છે. યોગ્ય પ્રોત્સાહન અને સુવિધાના અભાવે લાઠીના સ્થાનિક ઉદ્યોગો ભાંગી પડ્‌યા છે. જો GIDC કાર્યરત થાય, તો વિસ્તારમાં ફરીથી ઔદ્યોગિક ક્રાંતિ આવી શકે તેમ છે. તાજેતરમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કૌશિકભાઈ વેકરીયા, જનકભાઈ, રાજ્યસભાના સાંસદ ભરતભાઈ તથા ગોવિંદભાઈ ધોળકિયા સાથે આ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રીને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવશે. જયારે હરેશભાઈ પઢીયારે જણાવ્યું હતું કે, લાઠીના ચારથી પાંચ ઉદ્યોગપતિઓ પોતાનો ઉદ્યોગ અહીંયા લાઠીમાં બનાવે તો પણ લાઠી તાલુકાના લોકોને બહાર જોવું ન પડે તો ચેમ્બરના પૂર્વ પ્રમુખ ચેતનભાઇ લીંબાણી જણાવે છે કે, ૨૦૧૭માં જીઆઇડીસી મંજૂરી મળી હતી જંત્રીના ભાવ વધારે હોવાના કારણે પ્લોટ ફાળવણી કરવામાં આવી જેથી જંત્રીના ભાવ નીચા આપવા જોઈએ તેવી અમારી માંગણી છે. વેપારીઓ અને ઉદ્યોગકારોની એક જ માંગ છે કે સરકાર જંત્રીના દરમાં ઘટાડો કરી વહેલી તકે GIDCનું નિર્માણ કરે જેથી સ્થાનિક સ્તરે રોજગારી અને વેપારમાં વધારો થઈ શકે તેમ છે.