અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડીના ગુલાબનગરમાં નવરાત્રિની એ રાત ક્યારેય ન ભુલવા જેવી કાળરાત્રિ બની ગઈ…ફોટોમાં દેખાતા આ હસતા ચહેરાને જુઓ…આ છે ૨૮ વર્ષીય વિકેશ હરિસિંહ ગુર્જર. ત્રિકમલાલ ભોગીલાલની ચાલીમાં રહેતો વિકેશ લિફ્ટ રીપેરીંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો.તે બે મહિના સુધી રાજસ્થાન ખેતીકામ માટે ગયો હતો, અને શનિવારે જ અમદાવાદ પરત ફર્યો હતો…તેને ક્યા ખબર હતી કે જે ગરબાના ચોકમાં તે ખુશી-ખુશી રાસ રમવા જઈ રહ્યો છે, ત્યાં જ મોત તેનો ઈન્તઝાર કરી રહ્યું છે!
વિકેશ જ્યારે તેના મિત્ર અભિષેક સાથે ગરબા જોઈને પરત ફરી રહ્યો હતો, ત્યારે જ જૂની અદાવત રાખીને બેઠેલા ચાર શખ્સો કાળ બનીને ત્રાટક્યા…સામાન્ય બોલાચાલી બાદ આરોપીઓએ ગરબાના ચોકમાં જ વિકેશ પર ચાકૂથી જીવલેણ હુમલો કરી દીધો. લોહીલુહાણ હાલતમાં વિકેશને તાત્કાલિક એલ.જી. હોસ્પિટલ ખસેડાયો, પણ વહેલી સવારે તેની જિંદગીનો દીવો કાયમ માટે બુઝાઈ ગયો…વિકેશના મોતના સમાચાર મળતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું છે…
ઘટનાની ગંભીરતા જોતા જ અમરાઈવાડી પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, બે મહિના પહેલા રોહિત ઉર્ફે ગાંડો અને મદન રાજપૂત સાથે વિકેશને સામાન્ય ઝઘડો થયો હતો…બસ, આ જ ઝઘડાની ખાર રાખીને હિસ્ટ્રીશીટર રોહિત અને તેના સાગરીતોએ આ ખૂની ખેલ ખેલ્યો…ચોંકાવનારી વાત એ છે કે મુખ્ય આરોપી રોહિત સામે ભૂતકાળમાં તડીપાર ભંગ જેવા ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે, જ્યારે મદન પ્રોહિબિશનના
ગુનામાં સંડોવાયેલો છે.
નવરાત્રિ જેવા પવિત્ર તહેવારમાં ગરબાના ચોકમાં હત્યા કરીને કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઉડાડનારા આ નરાધમોને પકડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી છે. ત્યારે હવે જાવાનું એ રહે છે કે, અમદાવાદ પોલીસ આ તડીપાર ગુંડાઓને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે, અને આ માસૂમ પરિવારને ક્યારે ન્યાય મળે છે…










































