દામનગરના શિવનગર સોસાયટીમાં રહેતા અને મૂળ સુવાગઢ ગામના વતની મયુર ગઢવીએ ભૂટાનમાં બે વર્ષ ફરજ બજાવી પંથકનું ગૌરવ વધાર્યું છે. ભારતીય સેનામાં સિપાહી તરીકે દેશસેવા કરતા મયુરભાઈએ ઇન્ડિયન મિલિટરી ટ્રેનિંગ ટીમ (IMTRAT) સાથે ભૂટાનમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરી છે. હાલમાં તેમનું પોસ્ટિંગ પંજાબમાં છે. તેમના પિતા સ્વ. મનહરદાન (મનુભાઈ) ગઢવી ઓટોરિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને બંને પુત્રોને શિક્ષણ આપ્યું હતું. નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ મયુરભાઈએ મુશ્કેલ પરિસ્થિતિમાં અભ્યાસ અને સખત તાલીમ પૂર્ણ કરી સેનામાં સ્થાન મેળવ્યું હતું.








































