એક હતો મીન્ટુ. એક રાત્રે મીન્ટુ અગાશી પર બેસીને પોતાની નાનકડી આંગળીથી તારા ગણતો હતો – “એક… બે… પાંચ… દસ…” ત્યાં જ આકાશમાંથી એક તારો લપસ્યો!
તારો આકાશમાંથી નીચે પડ્યો – ‘ધબબબ!’ તે સીધો મીન્ટુના ખોળામાં પડ્યો. મીન્ટુએ જોયું તો તારો તો રબરના પીળા દડા જેવો હતો અને તેને બે નાનકડા પતંગિયા જેવા કાન પણ હતા. તેનું નામ હતું ટિંકલ.
મીન્ટુએ જેવો ટિંકલને અડવા માટે હાથ લંબાવ્યો, ત્યાં જ ટિંકલ બોલ્યો, “ઓયે મીન્ટુ! મને પકડતો નહીં, મને બહુ ગલીપચી થાય છે!” અને ટિંકલ તો જોર જોરથી હસવા લાગ્યો – ‘હી હી હી… હૂ હૂ હૂ!’ ટિંકલ એટલું હસ્યો કે હસતાં હસતાં તેના શરીરમાંથી સોનેરી રંગના પરપોટા નીકળવા લાગ્યા!
મીન્ટુ ટિંકલને પોતાના રૂમમાં લાવ્યો. મીન્ટુએ વિચાર્યું કે ટિંકલને ભૂખ લાગી હશે. તેણે ટિંકલને એક મોટું બિસ્કિટ આપ્યું. ટિંકલ તો બહુ મસ્તીખોર હતો! તેણે બિસ્કિટ ખાવાને બદલે તેને માથા પર ટોપીની જેમ પહેરી લીધું અને બેડ પર કૂદવા લાગ્યો.
મીન્ટુ કહે, “ટિંકલ, સૂઈ જા!”
પણ ટિંકલ કહે, “મારે તો ડાન્સ કરવો છે!”
ટિંકલ મીન્ટુના નાક પર જઈને બેસી ગયો. મીન્ટુને નાકમાં ગલીપચી થઈ અને તેને મોટી છીંક આવી – “આં… છીંઈઈઈ!” મીન્ટુની છીંક એટલી જોરદાર હતી કે ટિંકલ ઊડીને સીધો પંખા પર લટકી ગયો!
પંખો ધીરે ધીરે ફરતો હતો અને ટિંકલ પંખાની પાંખ પર બેસીને રાડો પાડતો હતો, “હુરેઈઈઈ! હું તો મેળાની ચકડોળમાં બેઠો છું!” પછી ટિંકલે શું કર્યું ખબર છે? તેણે પોતાના ગજવામાંથી ‘તારાનો પાવડર’ કાઢીને મીન્ટુ પર છાંટ્યો. મીન્ટુ તો હવામાં ઊડવા લાગ્યો! મીન્ટુ અને ટિંકલ બંને રૂમમાં ફુગ્ગાની જેમ ઊડતા હતા અને એકબીજાને પકડવાની રમત રમતા હતા.
ત્યાં તો સવાર થવા આવી. સૂરજદાદાએ ધીમેથી બારીમાંથી જોયું. ટિંકલ ડરી ગયો, “બાપ રે! સૂરજદાદા આવશે તો હું અદ્રશ્ય થઈ જઈશ!” મીન્ટુએ જલ્દીથી ટિંકલને એક મોટા ગેસના ફુગ્ગા સાથે બાંધ્યો. ફુગ્ગો ધીમે ધીમે આકાશમાં જવા લાગ્યો. ટિંકલ હજી પણ હસતો હતો અને મીન્ટુને નીચેથી ‘ટાટા’ કરતો હતો.
જતાં જતાં ટિંકલે મીન્ટુના વાળમાં એક નાનકડી ચમકતી ગિફ્ટ મૂકી દીધી. જ્યારે મીન્ટુએ અરીસામાં જોયું ત્યારે તેના વાળ સોનેરી રંગના થઈ ગયા હતા અને તેમાંથી હજી પણ હસવાનો અવાજ આવતો હતો!
mo. ૯૦૯૯૧૭૨૧૭૭










































