ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા એ ગુજરાત રાજ્યના રાજપીપળા નજીક નર્મદા નદીના કાંઠા પર કરાતી પરિક્રમા છે. ગુજરાતમાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ એટલે કે એક મહિના માટે યોજાતી ૨૧ કિલોમીટરની ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા ૨૦૨૬માં ફાગણ વદ અમાસ (૧૯-૦૩-૨૦૨૬)થી ચૈત્ર વદ અમાસ (૧૭-૦૪-૨૦૨૬) દરમિયાન યોજાશે.
આ સમયગાળાના ત્રીસ દિવસ દરમિયાન કરાતી આ પરિક્રમા કોઇ પણ દિવસે શરૂ કરી કોઇ પણ દિવસે પૂરી કરી શકો છો. એટલે કે, તમે માર્ગમાં તમને ગમતાં, માનસિક શાંતિ આપતાં, પ્રાકૃતિક સ્થળોએ ઇચ્છો એટલો સમય રોકાઇ, ત્યાંની પ્રકૃતિને જાણી-માણી શકો છો. દરેક સ્થળે તમને ચા-નાસ્તા, સવાર-સાંજના ભોજન, આરામ-વિરામ કે રાત્રિ રોકાણની નિઃશુલ્ક સુવિધા મળી રહેશે. આ પગપાળા પરિક્રમાનું વિશેષ મહ¥વ હોઇ, દર વર્ષે મોટી સંખ્યામાં નાના, મોટાં અને વડીલ ભાવિક ભક્તો પદયાત્રા કરે છે.
નર્મદા નદી ભારતની પવિત્ર નદીઓમાંની એક ગણાય છે. જેના દર્શન માત્રથી જ પાવન અને પવિત્ર થઇ જવાય છે. આમ તો ભારતની બધી નદીઓનું મૂળ એક દર્શનીય સ્થાન ગણાય છે. પ્રાકૃતિક વાતાવરણ સાથે પાવન ભૂમિ અને પવિત્રતા ભળે તો સોનામાં સુગંધ ભળ્યા જેવું વાતાવરણ બની જાય.ભારતમાં કેટલીક નદીના મૂળ-મુખની ભાવિક ભક્તો જાત્રા કરે છે.એમાં નર્મદા નદીનું પણ સ્થાન છે. મા નર્મદાનું જન્મસ્થાન અનેક કથા અને મહાત્મ્યથી ભરપૂર છે અને પ્રાકૃતિક સૌન્દર્યથી સમૃધ્ધ છે.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે, આથી નર્મદા નદીની આ પરિક્રમાને ઉત્તરવાહિની પરિક્રમા કહે છે. નર્મદા નદી આશરે છ કિમી સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર માસમાં ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ મહાત્મય છે. ૨૧ કિલોમીટરનું અંતર ધરાવતી આ પરિક્રમા કરવા માટે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, તમિલનાડુ, પંજાબ અને મધ્યપ્રદેશ જેવાં રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે. રેવાના તીરે મિની કુંભ મેળા જેવાં દૃશ્ય સર્જાય છે. હજારો શ્રધ્ધાળુઓ પૂરા ભકિતભાવથી મા નર્મદાની પરિક્રમા કરવા માટે બાર મહિનાથી આ દિવસની રાહ જોતાં હોય છે.
હિંદુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે જ્યારે નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે, ત્યારે એ પ્રવાહ ઉત્તરવાહિની તરીકે ઓળખાય છે. એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ ઓર વધી જાય છે. નર્મદા નદીની આ પરિક્રમાનો પ્રારંભ રામપુરા ઘાટથી થાય છે. રણછોડજી મંદિર, શહેરાવ ઘાટ, તિલકવાડા, મણિનાગેશ્વર મહાદેવ મંદિર, રેંગણઘાટ અને કીડી-મકોડી ઘાટ થઈ પુનઃ રામપુરા ખાતે પરિક્રમા પૂર્ણ થાય છે.
આદ્ય શંકરાચાર્યજી રચિત નર્મદાષ્ટકમાં નર્મદા નદી માટે લખ્યું છે કે, અલક્ષલક્ષલક્ષપાપ લક્ષ સાર સાયુધં તતસ્તુજીવજન્તુતન્તુ ભુક્તિ મુક્તિ દાયકંમ્ અર્થાત્ પવિત્ર નર્મદા નદીના દર્શનમાત્રથી ભક્તોના પાપનો નાશ થાય છે. આવું ધાર્મિક મહવ ધરાવતી પુણ્ય સલિલા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરવા માટે આશરે ત્રણથી સાડા ત્રણ હજાર કિલોમીટરનું અંતર કાપવું પડે છે, જે દરેક ભક્તો માટે શક્ય ન હોવાથી શ્રધ્ધાળુઓ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરી સંતોષ માને છે. ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે એવી શ્રધ્ધાળુની માન્યતા છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરિક્રમાના સમગ્ર રૂટ પર સુરક્ષા, સ્વચ્છતા, આરોગ્ય સેવા, લાઈટિંગ, પીવાનું પાણી, શૌચાલય, સ્નાન માટે ફુવારા, સીસીટીવી કેમેરા, ડોમ, આરામ-વિરામની સુવિધા ઉપરાંત ર્પાકિંગ, સેલ્ફી પોઈન્ટ, વોચટાવર, આરોગ્ય સુવિધા અને ફાયર સેફ્ટી સુવિધા પણ કરાય છે.સમાજસેવીઓ દ્વારા સવારના નાસ્તો, બપોરનું ભોજન, ચા-નાસ્તો, છાશ વિતરણ અને સાંજના ભોજનની સેવા-સુવિધા નિઃશુલ્ક પૂરી પડાય છે.
નર્મદા જિલ્લાના રામપુર ઘાટથી શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ સુધીના ૧૫ કિલોમીટરના પરિક્રમા માર્ગ તેમજ ચારેય ઘાટ પર ઊભી કરાતી જે-તે વ્યવસ્થાના કારણે શ્રધ્ધાળુઓ માટે કઠોર ગણાતી આ પરિક્રમા સુગમ બની રહી છે. પરિક્રમા શરૂ થતાં પહેલા જ સરકાર, યાત્રાધામ બોર્ડ તથા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા માર્ગ પર રોડનું સમારકામ, પ્રોટેક્શન વાલનું કામ, બોટિંગ જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરાય છે.
નર્મદા પરિક્રમા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ અધિકારી-કર્મચારીના જવાનોનો મોટો કાફલો સતત તહેનાત રખાય છે. એ સાથે, રેંગણ તથા ભાદરવા ગામથી યાત્રિકોના આવાગમન માટે એસ.ટી બસની વ્યવસ્થા કરાય છે. પરિક્રમા માટે પોતાના વાહનોના ર્પાકિંગ માટે રામપુરા, તિલકવાડા અને સામરિયા ખાતે વિશાળ ર્પાકિંગ પ્લોટ તૈયાર કરાય છે. તમામ ઘાટ પર મંડપ, ખુરશી, બેરીકેટિંગ, લાઈટિંગ, ટોયલેટ બ્લોક, ચેન્જિંગ રૂમ, મેડિકલ બૂથ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, પોલીસ બૂથ, વોચ ટાવર, ફૂડ સ્ટોલ, નાહવા-ધોવાની વ્યવસ્થા ઉભી કરાય છે.
નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમા દરમિયાન શ્રધ્ધાળુઓ નર્મદાની સાથે જિલ્લામાં આવેલાં રણછોડરાય મંદિર, ધનેશ્વર મહાદેવ મંદિર, શ્રી મંગલેશ્વર મહાદેવ મંદિર, તપોવન આશ્રમ, શ્રી સ્વામી રામાનંદ આશ્રમ, શ્રી સીતારામ આશ્રમ, શ્રી મણિનાગેશ્વર મંદિર જેવાં સ્થળોની પણ મુલાકાત લઇ જ્યાં-ત્યાં રોકાણ પણ કરી શકે છે.












































