રાજ્યમાં હાલ પીજીવીસીએલ દ્વારા બાકી વીજબીલની વસૂલાતનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત રાજુલા આગરીયા જકાતનાકાથી આગળ પુલની ડાબી બાજુ ભડીયા વાળા રોડ ઉપર આવેલ વાડીએ પીજીવીએલના કર્મચારીઓ ગયા ત્યારે તેમને ગાળો આપવામાં આવી હતી. આ અંગે મહેન્દ્રભાઇ મનુભાઇ શીયાળે છતડીયા ગામના દાનુભાઇ સાદુળભાઇ ખાચર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તથા સાહેદો હાલમા મિસન માર્ચ ૨૦૨૬ હેઠળ ડીસ કનેક્શનની કામગીરી ચાલુ હોવાથી ગ્રાહકના બાકી વીજ બીલની રકમ વસુલાત અંગેની કાયદેસરની ફરજ બજાવતા હતા. સાહેદો ખેતીવાડી વિસ્તારના છ૧ કેટેગરીનુ હંસાબેન ગભરૂભાઇ બોરીચાના નામનું ખેતીવાડી વીજ કનેકશન આવેલું છે. ગ્રાહકનું વાર્ષિક વીજ બીલ રૂ.૪૨૩૧.૪૪ બાકી હોવાથી વીજબીલની બાકી રકમ વસુલાત કરવા માટે ગ્રાહકની વાડીએ ગયા ત્યારે આરોપી સાહેદો સાથે ફોન પર વાતચીત કરી વીજબિલની ભરવાની થતી બાકી રકમ ભરવાની ના પાડી ફરજમાં અડચણ ઉભી કરી હતી. તેમજ ફોન કરી ગુન્હાહિત ગર્ભિત ધમકી આપી હતી. તેમજ આરોપીએ PGVSLની કચેરીએ રૂબરૂ જઈ તેમને તથા સાહેદોને જાનથી મારી નાખવાની ધમકી આપી સરકારી કર્મચારીની કાયદેસરની ફરજ બજાવવામાં રૂકાવટ કરી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસબી જાની વધુ તપાસ કરી રહ્યા છે.