ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના ગંભીર આક્ષેપોનો સામનો કરી રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર અને ૨૦૧૫ ની બેચના આ આઇએએસ અધિકારી રાજેન્દ્ર કુમાર પટેલને કોર્ટ તરફથી મોટો આંચકો લાગ્યો છે. ગુરુવારે અમદાવાદની એક સ્પેશિયલ પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) કોર્ટે તેમની નિયમિત જામીન અરજી નામંજૂર કરી દીધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જાન્યુઆરી મહિનામાં લાંચ અને મની લોન્ડરિંગના કેસમાં આ અધિકારીની ધરપકડ કરવામાં આવી હતી.
સ્પેશિયલ પીએમએલએ જજ કે.એમ. સોજિત્રાની કોર્ટે આઇએએસ રાજેન્દ્ર કુમાર પટેલની જામીન અરજી ફગાવતા અત્યંત કડક શબ્દોમાં નોંધ્યું હતું કે, “ફરિયાદ અને કેસના કાગળોમાંથી પ્રાપ્ત થયેલા ડિજિટલ પુરાવા અને સહ-આરોપીઓના નિવેદનો જાતાં, પ્રાથમિક દૃષ્ટિએ એવું બિલકુલ માની શકાય નહીં કે અરજદાર મની લોન્ડરિંગના ગુનામાં સામેલ નથી અથવા નિર્દોષ છે.”
કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આરોપી અધિકારી વિરુદ્ધ પૂરતા પુરાવા છે જે દર્શાવે છે કે તેમણે ગેરકાયદેસર રીતે ૩ કરોડ ૧૨ લાખ ૬૨ હજાર ૨૩૦ રૂપિયાની અધધ લાંચ લીધી હતી. આ ઉપરાંત, તેમની પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ ૧૨, ૧૩(૧)(ડી), ૧૩(૨) અને ૭ હેઠળ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
ઈડીની તપાસમાં સામે આવેલા ગંભીર આરોપો મુજબ, આઇએએસ રાજેન્દ્ર કુમાર પટેલે સુરેન્દ્રનગરના ડેપ્યુટી મામલતદાર ચંદ્રસિંહ મોરી સાથે મળીને લાંચ લેવા માટે એક મોટી સિન્ડીકેટ રચી હતી. જમીનનો હેતુ ફેરવવા એટલે કે ‘ચેન્જ ઓફ લેન્ડ યુઝ’ અને જમીન વેરિફિકેશનની ફાઈલો મંજૂર કરાવવા માટે આ બંને અધિકારીઓ અરજદારો પાસેથી સીધી જ ‘પ્રતિ ચોરસ મીટર’ ના હિસાબે લાંચ વસૂલતા હતા. ડેપ્યુટી મામલતદાર મોરી પર આરોપ છે કે તેમણે પોતાના પદનો દુરુપયોગ કરી ફાઈલોને ઝડપથી કલીયર કરી આપવાના બદલામાં લોકો પાસેથી મોટી રકમ ખંખેરી હતી, અને આ લાંચની રકમ જમીનના ચોરસ મીટરની ગણતરી કરીને જ નક્કી કરવામાં આવતી હતી.
માત્ર ઈડી જ નહીં, પરંતુ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ પણ ઈડીની ફરિયાદના આધારે આઇએએસ પટેલ અને અન્ય ત્રણ લોકો સામે એફઆઇઆર નોંધી છે. ડેપ્યુટી મામલતદાર મોરીને ‘સૌરાષ્ટ્ર ઘરખેડ ભાડૂઆત પતાવટ અને ખેતીલાયક જમીન વટહુકમ ૧૯૪૯’ હેઠળ ટાઇટલ વેરિફિકેશન અને સીએલયુની અરજીઓની પ્રોસેસિંગનું કામ સોંપવામાં આવ્યું હતું, જેમાં આ મસમોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. હાલ પૂરતું તો આ ભ્રષ્ટ અધિકારીએ જેલના સળિયા પાછળ જ રહેવું પડશે.







































