બનાસકાંઠાથી કરુણ અને હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાન સરહદને અડીને આવેલા નેનાવા ગામ પાસે એક ખાનગી સ્લીપર ટ્રાવેલ્સ બસમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ દુર્ઘટનામાં એક મુસાફરનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે આઠ જેટલા મુસાફરો દાઝી ગયા છે. તમામ ઈજાગ્રસ્તોને પોલીસના વાહન તેમજ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, રાજસ્થાનના જેસલમેરની ‘સ્વાગત ટ્રાવેલ્સ’ નામની લક્ઝરી બસ જેસલમેરથી મુસાફરો ભરીને અમદાવાદ તરફ જઈ રહી હતી. રાત્રિના સુમારે જ્યારે બસ બનાસકાંઠાના નેનાવા પાસે પહોંચી ત્યારે અચાનક બસમાં આગની જ્વાળાઓ જાવા મળી હતી. જાતજાતામાં આગે આખી બસને લપેટમાં લઈ લીધી હતી. બસમાં સવાર મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી.
આગ એટલી ભયાનક હતી કે, મુસાફરોને બહાર નીકળવાની તક પણ માંડ મળી હતી. મોટાભાગના મુસાફરો બારીમાંથી કૂદીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા, પરંતુ કમનસીબે એક મુસાફરનું આગમાં દાઝી જવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અન્ય ૮ મુસાફરો આગની ઝપેટમાં આવી જતાં ઘાયલ થયા છે, જેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
ધાનેરા રેફરલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા યુદ્ધના ધોરણે સારવાર શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર મામલે ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આગ લાગ્યાના સમાચાર મળતાં જ ધાનેરા નગરપાલિકાનું ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને કાબૂમાં લીધી હતી. ?
આ બસમાં બેઠેલા એક મુસાફરે જણાવ્યું કે, અમે લગ્ન સમારંભમાંથી બસમાં પરત આવી રહ્યા હતા. અમે રાતે બસમાં સૂઈ રહ્યા હતા અને અચાનક બૂમાબૂમ શરૂ થઈ ગઈ અને અમે જાગી ગયા હતા. જ્યારે અન્ય એક મુસાફરે જણાવ્યું કે, આગ લાગવાની જાણ થતા હું બારી તોડીને નીચે ઉતરી ગયો. મારી સાથે મારા પરિવાર અને અન્ય મુસાફરોને પણ બારીમાંથી નીચે ઉતાર્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી ખાનગી સ્લીપર ટ્રાવેલ્સમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જે મુસાફરોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરે છે. શું આ બસમાં ફાયર સેફ્ટીના સાધનો હતા? શું બસનું ફિટનેસ સર્ટિફિકેટ બરાબર હતું? આ તમામ દિશામાં અત્યારે પોલીસ અને આરટીઓ વિભાગ તપાસ કરી રહ્યું છે.? બાઈક શ્રીકાંત પાઠક મુસાફર અમદાવાદ બાઈક મુસાફર જેસલમેર