કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે લોકસભામાં સૂત્રોચ્ચાર કરી રહેલા વિપક્ષી સાંસદો પર આકરા પ્રહારો કર્યા. તેમણે ગૃહમાં તમાશો કરવાનો આરોપ લગાવ્યો. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે જ્યારે વિપક્ષ અહીં વિલાપ કરી રહ્યું છે, ત્યારે દુનિયા સરકારને બિરદાવી રહી છે. લોકસભામાં કૃષિ સંબંધિત પૂરક પ્રશ્નોના જવાબ આપતા શિવરાજ ચૌહાણે પશ્ચિમ બંગાળ સરકાર અને રાજ્યની શાસક તૃણમૂલ કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે તેઓ રાજ્યના લોકોને કેન્દ્ર સરકારની યોજનાઓના લાભોથી વંચિત રાખવાનું પાપ કરી રહ્યા છે.
જ્યારે શિવરાજ સિંહ ચૌહાણ બોલી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસ અને ટીએમસી સહિત વિપક્ષી પક્ષોના સભ્યો ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેઓ “વોટ ચોરી બંધ કરો” જેવા નારા લગાવી રહ્યા હતા. શિવરાજ ચૌહાણે કહ્યું કે આખો દેશ વિપક્ષ જે નાટક રચી રહ્યું છે તે જાઈ રહ્યો છે. જનતા તેમને આ માટે માફ નહીં કરે.
પૂરક પ્રશ્નના જવાબમાં, શિવરાજે ઉલ્લેખ કર્યો કે પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના હેઠળ પસંદ કરાયેલા ૧૦૦ જિલ્લાઓમાંથી, પશ્ચિમ બંગાળના ચાર જિલ્લાઓમાં લાભો પહોંચ્યા નથી. તેમણે કહ્યું, “મને ખૂબ જ દુઃખ થાય છે કે ૧૦૦ માંથી બાકી રહેલા ચાર જિલ્લા પશ્ચિમ બંગાળમાં છે. ત્યાંની સરકારે આ યોજના લાગુ કરી નથી, જેના કારણે રાજ્યના ચાર જિલ્લાઓના ખેડૂતો કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા લાભોથી વંચિત રહી રહ્યા છે.”
શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકારને શરમ આવવી જાઈએ. તેમણે ગરીબ ખેડૂતોને તે જિલ્લાઓના લાભોથી વંચિત રાખવાનું પાપ કર્યું છે. રાજ્યના મુખ્યમંત્રીએ આ પાપ કર્યું છે.” કૃષિ મંત્રીએ કહ્યું કે પશ્ચિમ બંગાળે આવી ઘણી કેન્દ્રીય યોજનાઓ લાગુ કરી નથી અને “તેઓ સસ્તી રાજનીતિ રમે છે.” “જા રાજ્યમાં સરકાર બદલાશે તો બધી યોજનાઓ લાગુ કરવામાં આવશે.” તેમણે ભાજપના સાંસદ નિશિકાંત દુબેના પૂરક પ્રશ્નનો જવાબ આપતા કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું.
કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે જ્યારે તેમની સરકાર સત્તામાં હતી, ત્યારે દેશવાસીઓને બહારથી આયાત કરાયેલા સડેલા, લાલ ઘઉં ખાવા પડતા હતા. આજે ઘઉં અને ચોખાના ભંડાર ભરેલા છે. આજે, ૧૫૦ મિલિયન ટન ચોખાના ઉત્પાદન સાથે, ભારત વિશ્વમાં નંબર વન બની ગયું છે. આપણે ચીનને પાછળ છોડી દીધું છે. આજે, દેશમાં ઉત્પાદન હરિયાળી ક્રાંતિ કરતા પણ વધુ ઝડપી દરે વધી રહ્યું છે. આપણે ભારતને વિશ્વની ‘અન્ન બાસ્કેટ’ બનાવીશું. આપણો દેશ વિશ્વની જરૂરિયાતો પૂરી કરશે. ચૌહાણે નારા લગાવતા વિપક્ષી સાંસદોને આડે હાથ લેતા કહ્યું, “જ્યારે વિશ્વ સરકારની પ્રશંસા કરી રહ્યું છે ત્યારે વિપક્ષને બડબડાટ કરતા રહેવા દો.”









































