અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના હેઠળ ૧૦ વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે શરૂ કરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત રાજુલા પોલીસને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે.
રાજુલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આઈપીસી કલમ ૩૬૩ અને ૩૬૬ હેઠળના અપહરણના ગુનામાં છેલ્લા ૧૯ વર્ષથી ફરાર આરોપી બાબુભાઈ મથુરભાઈ કાતરિયાને કર્ણાટકના બેંગ્લોર ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે સતત નામ અને રહેઠાણ બદલતો રહેતો હતો. તે ભોગ બનનાર સાથે અગાઉ ભાવનગર અને અમદાવાદમાં રહ્યો હતો અને ત્યારબાદ બેંગ્લોર જઈ મેડિકલ લાઇનના આઈવીએફ વિભાગમાં નોકરી કરવા લાગ્યો હતો. તપાસ દરમિયાન પોલીસની ટીમને ‘રાજુ આહીર’ નામના શંકાસ્પદ ફેસબુક આઈડી પરથી મહત્વની કડી મળી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસે જાણ્યું કે મૂળ રાજુલાના કોટડી ગામનો આ શખ્સ બેંગ્લોરમાં છુપાયો છે.
રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમે તાત્કાલિક બેંગ્લોર પહોંચી આરોપીની ધરપકડ કરી હતી અને ભોગ બનનારને પણ શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમ, ટેકનોલોજી અને બાતમીદારોના સચોટ સંકલનથી બે દાયકા જૂના ગુનાનો ભેદ ઉકેલાયો છે.









































