ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) ને એક મોટી સફળતા મળી છે. પાકિસ્તાન બોર્ડર પરથી પંજાબમાં હેરોઈન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ જેવા ઘાતક હથિયારો સપ્લાય કરનારા વોન્ટેડ આરોપી રહેમત અલી શેખની અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પંજાબ પોલીસની પકડથી બચવા માટે નેપાળ અને બિહાર થઈને ગુજરાતમાં છુપાયો હતો.
ગુજરાત એટીએસના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ચોક્કસ બાતમી મળી હતી કે, પંજાબના અમૃતસરના રાજાસાસી પોલીસ સ્ટેશનના હથિયાર અને ડ્રગ્સ સ્મગલિંગ કેસનો મુખ્ય આરોપી રહેમત અલી અમદાવાદમાં છે. આ બાતમીના આધારે એટીએસએ રખિયાલના એક એમ્બ્રોઈડરી કારખાનામાં દરોડો પાડીને તેને દબોચી લીધો હતો. આરોપી અહીં ઓળખ છુપાવીને મજૂર તરીકે કામ કરવાની પેરવીમાં હતો. પૂછપરછમાં અત્યંત ચોંકાવનારી વિગતો સામે આવી છે કે રહેમત અલી પાકિસ્તાનથી આવતા નાર્કોટિક્સ અને હથિયારોના એક મોટા આંતરરાષ્ટÙીય નેટવર્કનો સક્રિય હિસ્સો છે. જાન્યુઆરી મહિનામાં તેણે પાકિસ્તાન બોર્ડર પરથી હેરોઈન, હેન્ડ ગ્રેનેડ અને પિસ્તોલ જેવા ખતરનાક હથિયારો મેળવીને પંજાબના અન્ય સાગરિતો સુધી પહોંચાડ્યા હતા.
આ કેસની તપાસ દરમિયાન પંજાબ પોલીસે અગાઉ બે આરોપીઓની ધરપકડ કરી હતી, જેમની પાસેથી ૪૨ કિલો હેરોઈન, ૪ હેન્ડ ગ્રેનેડ, એક પિસ્તોલ અને ૪૬ જીવતા કારતૂસ જેવા વાંધાજનક સાધનો મળી આવ્યા હતા. પોતાના સાગરિતો પકડાઈ જતાં રહેમત અલી પંજાબથી ભાગીને નેપાળ આશ્રય લેવા જતો રહ્યો હતો અને ત્યાંથી બિહાર થઈને ગુજરાતમાં છુપાવવા માટે આવ્યો હતો, જ્યાં આખરે તેની ધરપકડ કરી લેવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર હથિયારો મળી આવવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જાવા મળ્યો છે. આ બાબતની વિગતો તપાસતા જાણવા મળે છે કે જાન્યુઆરી ૨૦૨૬માં વડોદરાના મંજુસર પાસેની એક હોટલમાંથી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન બે પિસ્તોલ અને ૫૬ જીવતા કારતૂસ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
તેવી જ રીતે, નવેમ્બર૨૦૨૫માં ગીર સોમનાથમાં હાથ ધરવામાં આવેલા મેગા કોમ્બિંગ ઓપરેશન દરમિયાન એક ધાર્મિક સ્થળ (દરગાહ) માંથી તલવાર, કુહાડી અને કાટા જેવા હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સામે ઉભા થતા ગંભીર પડકારોને સૂચવે છે.
હાલમાં એટીએસ તપાસ કરી રહી છે કે અમદાવાદમાં રહેમત અલીને કોણે આશરો આપ્યો હતો અને શું ગુજરાતમાં પણ તેનું કોઈ મોટું નેટવર્ક સક્રિય છે? આરોપીને પંજાબ પોલીસને સોંપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.