રાખનાં રમકડાં
હવે દામલે થોડુ ખાઇ લીધું. એક થેલામાં તેણે તેના જરૂરી કપડા અને એવુ બધું ભર્યું. પછી થેલાને બગલમાં ભરાવી તે ડેલાની બહાર નીકળ્યો. કમળાપુર અહીથી બહુ દૂર નહીં એટલે એક કલાકમાં તો દામલ કમળાપુર પહોંચી ગયો.
શાંતુ પણ નિશાળે પહોંચીને ભણતરનું કામ કરાવવા લાગી. પરંતુ કોણ જાણે કેમ આજે તેનું મન કોઇ કામમાં લાગતું ન હતું. તેનું આંતર મન શાળામાંથી કયાંય દૂર દૂર ભટકી રહ્યું હતું. તેને અસંખ્ય વિચારો સતત આવતા રહ્યા. ને કયારે સ્કૂલમાંથી છૂટે અને કયારે પોતે ઘરે પહોંચે… એવી ઉતાવળ તેને થતી રહી. આમે ’ય આ રીતે માંડ માંડ શાળાને સમય પૂરો થયો ને નિયત સમયે શાળા છૂટી. હવે ઉતાવળે ઉતાવળે શાંતુ ઘરે પહોંચી, ઘરમાં કોઇ જ હતું નહીં, બસ પોતે એકલી જ. સાંજના છ થયા હતા, મહેશના કહ્યા મુજબ તે આજે આવવાનો હતો. પરંતુ આવ્યો હશે કે નહીં કોને ખબર…! આમ વિચારી થોડીવાર તો શાંતુ એમ જ બેસી રહી. પછી વળી તેને થયું કે… રસોઇ તો બનાવી લઉં.
એમ જ થયું. શાંતુ હળવેથી ઉભી થઇ અને રસોડા તરફ ચાલી પછી રસોઇ બનાવવાના કામમાં તે વળગી પડી. ખીચડી અને સેવ-ટામેટાનું શાક બનાવ્યું, લોટ બાંધી બે ભાખરી પણ બનાવી કાઢી. આટલું તૈયાર કરવામાં લગભગ પોણો કલાક પસાર થઇ ગયો હતો. હવે બધી રાંધેલી સામગ્રી તેણે ટેબલ પર ગોઠવી પણ દીધી. પછી શાંતુ ચાલીને બેઠકરૂમમાં સોફા પર આરામથી બેઠી. ત્યાં તો આ સમયે તેને અસંખ્ય વિચારો એક સામટા આવવા લાગ્યા. એમના એક અકલ્પ્ય વિચારે તેને સોફા પરથી ઝડપથી ઊભી કરી દીધી ને ઉતાવળી ચાલે તે રસોડામાં પહોચી ગઇ. જડપથી તેણે ફ્રીઝ ખોલ્યું, અંદર બરાબર જાયું ને તપાસ પણ કરી. તેને જે જોઈતું તે હાજર હોવાથી ખૂબ જ શાંતિ થઇ ને…. આનંદ પણ થયો. એટલે પછી ફ્રીજનું દ્વાર બંધ કર્યું. પછી પાછી ચાલીને બેઠકરૂમમાં આવી શાંતિથી સોફામાં બેઠી.
આમ સાંજના સાત થયા. બેઠા બેઠા શાંતુને થયું કે મહેશ વિસાવદરથી આવ્યો તો હશે ને ? જો આવ્યો હશે તો… તો થોડીવારમાં હવે ઘરે આવવો જ જોઇએ. આમ વિચારતી હતી ત્યાં તો સાચે જ મહેશે તેના પગ બેઠકરૂમમાં મૂક્યા. શાંતુએ મહેશને જોઇ મજાનું સ્મિત કર્યું. શાંતુના આવા મારકણા સ્મિતથી મહેશ તો સાચે જ પાણી પાણી થઇ ગયો. તેને તો થયું કે… દોડીને ભાભીને ભેટી પડું. પણ ના, એ બસ એમ જ મર્માળું હસ્યો ને સાથે સાથે બોલ્યો:
“શું વાત છે ભાભી, આજે તો તમે ખૂબ ખૂબ ખુશ હો એમ મને તમારા ચહેરા પર દેખાઈ રહ્યું છે…” મહેશ તો ખરેખર સાચું જ બોલ્યો હતો. મહેશને શાંતુએ જવાબ આપતાં કહ્યું:“હું તો હંમેશાં ખુશ જ હોઉં છું…, અને અત્યારે તને જોઇને વધુ ખુશ છું. અરે..! તું કયારે આવ્યો ? ”
“એમાં એવું થયું ભાભી…. હું તો વહેલી સવારમાં વિસાવદરથી અહીં આવવા નીકળ્યો હતો. પરંતુ બસ જ મોડી મળી. એટલે પછી અહીં પહોંચતા જ અગિયાર થઇ ગયા. આવું થતાં હું ઘરે ન આવ્યો ને સીધો જ ઓફિસે પહોંચી ગયો. બસ… અત્યારે નોકરી પૂરી કરીને ઘરે આવ્યો…”
“મને તો વિચાર આવતો હતો કે તું વિસાવદર રોકાઇ તો નહીં ગયો હોય ને ? સારૂં થયું, તું આવી ગયો તે… જાને આજે તો દામલ પણ નથી. એટલે મને થોડી ચિંતા થાય જ ને ?”
“કેમ…? દામલ સર નથી ?”
“ના…., એટલે તો મને ચિંતા થતી હતી. આવડા મોટા ઘરમાં મારે એકલીને આખી રાત કાઢવી કેમ ?”
“તો દામલ સર કયાં ગયા છે…?”
“તે કમળાપુર ગયો છે. કાલે તો જાહેર રજા છે. એટલે કાલનો દિવસ તે ત્યાં રોકાશે. પરમ દિવસે દામલ આવશે…”
“ભાભી….! દામલ સરને આમ એકાએક કમળાપુર જવાનું કેમ થયું ?” મહેશે પૂછયું… એટલે શાંતુએ જવાબમાં કહ્યું:
“બા…ને મજા નથી. તેમની તબિયત બગડી ગઇ છે. એટલે તો દામલને ફરજિયાત જવાનું થયું….”
“સારૂં…” મહેશ બોલ્યો: “કાલે જાહેર રજા છે, મારે પણ કાલે રજા છે. એટલે સાવ શાંતિ. મોડા ઊઠીએ તો ચાલે. પરંતુ ભાભી, પહેલાં અત્યારે તો હું નાહી લઉં. મારૂં આખું શરીર પરસેવો પરસેવો થઇ ગયું છે. વળી મુસાફરીનો થાક છે તે પણ ઓછો થઇ જાય…! નાહી લઉં એટલે ફ્રેશ થઇ જાઉં, પછી….”
(ક્રમશઃ)