જામનગર ડ્રગ્સ કેસમાં એસપી ડો. રવિ મોહન સૈનીએ કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ૩ પોલીસ કર્મી સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
જામનગર જિલ્લામાં ૮૩ લાખ રૂપિયાના હેરોઈનના એનડીપીએસ કેસમાં એક આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર બેદરકારીના મામલે જિલ્લા પોલીસ વડા એસપી ડો. રવિ મોહન સૈનીએ તાત્કાલિક કાર્યવાહી કરી મેઘપર-પડાણા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીઓમાં હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલા, કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ ગૌતમ ચાવડાનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી આરોપી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવાની ગંભીર ઘટના બાદ લેવામાં આવી છે. ફરાર થયેલો આરોપી પંજાબનો રહેવાસી વિશાલસિંઘ મટુ હોવાનું જાણવા મળ્યું છે. વિશાલસિંઘ મટુ જામનગરના મોટી ખાવડી વિસ્તારમાંથી ૮૩ લાખ રૂપિયાની કિંમતના હેરોઈન સાથે ઝડપાયો હતો. તે આ એનડીપીએસ કેસમાં ઝડપાયેલા ચાર આરોપીઓમાંથી એક હતો.
આરોપી ફરાર થતાં જ સમગ્ર જામનગર જિલ્લામાં પોલીસ તંત્ર એલર્ટ પર મૂકવામાં આવ્યું હતું અને તેની શોધખોળ માટે ખાસ ટીમો રચવામાં આવી હતી. ઘટનાને પોલીસ વિભાગે ગંભીરતાથી લીધી છે અને આવનારા દિવસોમાં વધુ તપાસ અને કડક પગલાં લેવામાં આવે તેવી શક્્યતા છે.પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીના ફરાર થવાથી પોલીસની કાર્યપ્રણાલી પર પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરવાના સંકેત આપવામાં આવ્યા છે.







































