ખાંભાના માર્કેટીંગ યાર્ડ નજીક ક્રિકેટ રમતા બાળકોનો દડો માર્કેટીંગ યાર્ડમાં જતા દડો લેવા બાળક જતા બાળકને ઝાપટ મારી ગાળો આપી હતી જેથી બાળકના કાકા સમજાવવા ગયા તો તેને પણ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ખાંભા માર્કેટિંગ યાર્ડ પાસે રવિવારે બપોરે ક્રિકેટ રમવા જેવી સામાન્ય બાબતે મોટો વિવાદ સર્જાયો હતો. પોલીસ ફરિયાદ મુજબ, મહેશભાઈ મનુભાઈ પરમારનો ભત્રીજો યાર્ડ પાસે આવેલી લાલભાઈ ઉનાગરની જમીનમાં મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યો હતો. રમત દરમિયાન બોલ ઉછળીને માર્કેટિંગ યાર્ડની અંદર પડ્યો હતો. જ્યારે બાળક બોલ લેવા માટે યાર્ડમાં ગયો, ત્યારે ત્યાં હાજર આરોપી ભુપતભાઈ કીકરે તેને માથાના ભાગે ઝાપટ મારી ગાળો આપી હતી. આ બાબતે મહેશભાઈ જ્યારે સમજાવવા ગયા, ત્યારે આરોપીએ ઉશ્કેરાઈને તેમને પણ ગાળો આપી હતી અને ‘હવે પછી યાર્ડમાં દેખાતા નહીં’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસે મહેશભાઈની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









































