દૌલતથી નહીં, દૃષ્ટિથી ઓળખાય છે ખાનદાની, પદ અને પૈસાથી નહીં પણ પરોપકારથી પરખાય છે ખાનદાની. સ્વાર્થ અને સત્તામાં નહીં પણ સેવામાં ઓળખાય છે સાચી ખાનદાની.
સમાજમાં ઘણી વાર “ખાનદાની” શબ્દ બોલતાં જ મોટા બંગલા, ઊંચા હોદ્દા, જૂની મિલકત કે જાણીતા સરનામા આંખ સામે આવી જાય છે. પરંતુ સાચી ખાનદાની એ ઈંટ-પથ્થરથી ઊભી થયેલી ઈમારત નથી, એ તો માણસના વર્તન, વિચારો અને સંસ્કારોથી ઊભી થતી એક અદૃશ્ય ઓળખ છે.
સાચી ખાનદાનીનો મૂળ અર્થ છેઃ માનવતા. જે ઘરમાં બાળકને પહેલો પાઠ “નમ્રતા”નો મળે, જ્યાં વડીલો શીખવે કે “પૈસા કરતાં માણસ મોટો,” જ્યાં સ્ત્રીનું સન્માન, નબળાનું રક્ષણ, અતિથીનો આદર આવકાર અને સત્યનું પાલન જીવનનો નિયમ બને,એ ઘર ખરેખર ખાનદાન ખોરડું કહેવાય. સગવડ ઓછી હોય છતાં વાણીમાં, વર્તનમાં અને વહેવારમાં સંસ્કાર છલકાય એ જ સાચી ખાનદાની ગણાય. બાકી ઘણું બધું હોવા છતાં ઉદ્ધતાઈ અને અહંકાર હોય ત્યાં કોઈ બે ઘડી ઉભા રહેવા પણ રાજી નથી હોતા.
રોજ-બરોજના જીવનમાં આપણી આસપાસ આવી ખાનદાનીના દ્રશ્યો નજર સામે આવતા હોય છે. એક દિવસ બસ સ્ટેન્ડ પર એક વૃદ્ધ મહિલા ભારે થેલી સાથે ઉભી હતી. આસપાસ મોંઘી કારમાંથી ઉતરતા, મોંઘા કપડાં પહેરેલા ઘણા લોકો પસાર થયા, પણ કોઈ રોકાયું નહીં. ત્યાં એક સામાન્ય દેખાવનો યુવાન આવ્યો, થેલી ઉઠાવી, યોગ્ય બસમાં બેસાડ્યા અને શાંતિથી પોતાની બસ પકડી. કોઈ કેમેરો નહોતો, કોઈ પ્રશંસા નહીં, પરંતુ એ યુવાનની આ હરકત જ તેની ખાનદાનીનો પરિચય હતી.
બીજુ એક દ્રશ્ય જોઈએ તો શહેરના એક મોટા બિઝનેસમેનના પરિવારમાં ત્રણ ચાર દિવસનો લગ્નપ્રસંગ હતો. તેમાં નાના મોટા અનેક લોકોની દરરોજ બહોળી સંખ્યામાં હાજરી હતી. તમામ વ્યવસ્થા શાનદાર હતી. પરંતુ ખાસ વાત એ હતી કે યજમાન ઘરના તમામ સભ્યો પોતે દરેક મહેમાનોને આદર આવકાર આપીને સાથે ફોટો પડાવીને ચા-પાણી અને ભોજનનો આગ્રહ કરતા હતા, વ્યવસ્થામાં રોકાયેલ લોકો સાથે નામ લઈને વાત કરતા હતા અને કોઈ ભૂલ થાય તો ગુસ્સે થવાને બદલે સ્મિતથી સમજાવતા હતા. એ ક્ષણે સમજાયું કે સંપત્તિ હોવી અલગ વાત છે, પરંતુ સંપત્તિ સાથે સંસ્કાર હોવા એ સાચી ખાનદાની છે.
સાચી ખાનદાની એ પણ છે કે મતભેદ હોય છતાં મનભેદ ન થવા દેવા. ચર્ચામાં અવાજ ઊંચો ન થાય, શબ્દો ઘાયલ ન કરે અને “હું સાચો” સાબિત કરવા માટે બીજાને ઉતારી ના પાડે. જે વ્યક્તિ અસહમત હોય છતાં એનું પણ સન્માન જાળવે એ પણ ખાનદાનીનું ઉત્તમ ઉદાહરણ છે.
આજના સમયમાં સોશિયલ મીડિયામાં દેખાવ વધ્યો છે, પરંતુ સ્વભાવ ઓછો દેખાય છે. લાઈક અને ફોલોઅર્સ વધ્યા છે, પરંતુ સહાનુભૂતિ ઘટી છે. આવા સમયમાં સાચી ખાનદાની એ સેવારૂપી દીવો છે, જે અંધકારમાં પણ માર્ગ બતાવે. અટવાયેલાનો આધાર બની શકે એ જ ખાનદાની અને ખુમારી છે.
સમાજ આજે દેખાવથી પ્રભાવિત થાય છે, પણ મૂલ્યોને માપવાનો સમય કાઢતો નથી. અહીં ઓળખ ઝડપથી મળે છે, પણ જવાબદારી સ્વીકારવાની તૈયારી ઓછી દેખાય છે. ખાનદાની શબ્દ બોલતાં જ ઘણા લોકો મિલકત, પેઢી અને પ્રતિષ્ઠા યાદ કરે છે, પરંતુ સાચી ખાનદાની વર્તનમાં દેખાય છે, વારસામાં નહીં. સાચી ખાનદાની એ નથી કે માણસ કેટલી ઊંચી જગ્યાએ પહોંચ્યો, પરંતુ એ છે કે ત્યાં પહોંચ્યા પછી કેટલા લોકોને સાથે લઈને ગયો. જે પોતાની સફળતાને સમાજ માટે ઉપયોગી બનાવે, અને પોતાની શક્તિને સેવા સાથે જોડે એ જ સાચો સંસ્કારવાન ગણાય. સત્તા અને સંપત્તિ જો સંયમથી સંચાલિત ન થાય, તો એ સમાજ માટે ભાર બની જાય છે. જ્યાં નિર્ણયમાં ન્યાય હોય અને વ્યવહારમાં માનવીયતા, ત્યાં સંઘર્ષ ઓછા અને વિશ્વાસ વધુ જન્મે છે. સમાજને ટકાવી રાખવા માટે કાયદા કરતાં પણ વધુ લોકોની સમજણની જરૂર છે. ખાનદાનીનું મૂલ્યાંકન તાળીઓમાં નહીં, પરંતુ ટીકા સામેની શાંતિમાં થાય છે. કારણ જે વ્યક્તિ અસહમત અવાજને પણ સ્થાન આપે, એ જ લોકશાહીની સાચી તાકાત બને છે. ઉંચો અવાજ ક્ષણિક અસર કરે છે, પણ નમ્ર વાણી દીર્ઘકાળ સુધી માન પામે છે. આજે સમાજને વધુ ચમકદાર ચહેરાની નહીં, પરંતુ સ્થિર વિચાર, સંયમિત ભાષા અને જવાબદાર વર્તન ધરાવતા માનવોની જરૂર છે. કારણ કે સમય જતા બધું બદલાશે, પણ ખાનદાની સંસ્કાર જ ઓળખ બચાવશે.
ખાનદાની વારસામાં મળે છે એવું માનવામાં આવે છે, પરંતુ હકીકતમાં તે વર્તનમાં કમાવાની વસ્તુ છે. રોજિંદી નાની નાની બાબતોમાં બોલવાની ભાષા, વર્તનની નમ્રતા, સંબંધોની સંભાળ અને સમાજ પ્રત્યેની જવાબદારીમાં સાચી ખાનદાની ઝળહળી ઊઠે છે. અંતે એટલું જ કહેવાનું કે, જે માણસ પાસે બધું હોવા છતાં ઝૂકી શકે, અને કશું ન હોવા છતાં ઉભો રહી શકે એ જ સાચો ખાનદાની સ્વભાવ કહેવાય.









































