બાબરા શહેરમાં મસાજ પાર્લરના ઓઠા હેઠળ ખુલ્લેઆમ ચાલી રહેલા દેહવ્યાપારના ગોરખધંધાને કારણે વાલી સમાજમાં પ્રચંડ રોષ ફેલાયો છે. શહેરના પોશ વિસ્તારોમાં કુટણખાનાઓ ધમધમી રહ્યા હોવા છતાં તંત્ર દ્વારા ઈરાદાપૂર્વક આંખ આડા કાન કરવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. વાલી સમાજના જણાવ્યા મુજબ, આ પ્રવૃત્તિ કોઈ છૂટીછવાઈ ઘટના નથી પરંતુ એક સુવ્યવસ્થિત અને સંગઠિત ગેરકાયદેસર નેટવર્ક હોવાની પ્રબળ શક્યતા છે. અગાઉ અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા હોવા છતાં અને લોકોની અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા પોલીસ અને તંત્રની કામગીરી શંકાના દાયરામાં આવી છે. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે શહેરની સામાજિક શાંતિ અને સંસ્કૃતિ જોખમાઈ રહી છે તેમજ યુવા પેઢી ખોટી દિશામાં ધકેલાઈ રહી છે.
આ ગંભીર મુદ્દે વાલી સમાજે જિલ્લા કલેક્ટર, પોલીસ વડા તથા રાજ્યના ઉચ્ચ અધિકારીઓને દખલ કરવા અનુરોધ કર્યો છે. સાથે જ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો તાત્કાલિક તપાસ કરી આવા મસાજ પાર્લરો સીલ કરવામાં નહીં આવે અને સંચાલકો તેમજ તેમને છાવરનારાઓ સામે કડક કાર્યવાહી નહીં થાય, તો આગામી સમયમાં સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની જવાબદારી તંત્રની રહેશે.