બગસરા શહેરમાં જેતપુર રોડ પર આવેલી સિટી સર્વેની કચેરી મોટાભાગે બંધ હાલતમાં જોવા મળતી હોવાથી અને કચેરીમાં કાયમી સર્વેયરની નિમણૂક ન હોવાથી અરજદારોના કામ ટલ્લે ચડ્‌યા છે જેના કારણે સ્થાનિક લોકોમાં કાયમી સર્વેયરની નિમણૂક કરવાની પ્રબળ માંગ ઉઠી છે. વિગત મુજબ, બગસરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સિટી સર્વેયરની જગ્યા ખાલી હોવાથી લોકોના અનેક વહીવટી કામો ખોરંભે પડ્‌યા છે. પ્રોપર્ટી કાર્ડ, નમૂના નંબર ૨ સહિતના અગત્યના દસ્તાવેજો મેળવવામાં લોકોને અનેક દિવસોના ધક્કા ખાવા પડે છે અને મિલકતને લગતા પ્રશ્નોમાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. હાલ માત્ર કામચલાઉ ધોરણે કામગીરી ચલાવી લેવામાં આવે છે. આ અંગે કાયમી ધોરણે સિટી સર્વેયરની નિમણૂક કરવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. જો આગામી દિવસોમાં આ બાબતે કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો સામાજિક સંસ્થાઓ દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.