બાબરા તાલુકાના ચરખા–ચમારડી માર્ગ પર વર્ષોથી ચાલી રહેલી અવરજવર સમસ્યાને ધ્યાનમાં રાખીને વિસ્તારના ધારાસભ્ય જનક તળાવીયાના સતત પ્રયત્નો પરિણામે રૂ. ૧.૫૦ કરોડના ખર્ચે માઇનોર બ્રીજ મંજુર કરવામાં આવ્યો છે. ચરખા–ચમારડી માર્ગ પર આવેલ નાળામાં વરસાદી સિઝનમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થતો હતો. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, ખેડૂતો તથા દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. હવે માઇનોર બ્રીજના નિર્માણથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. આ માર્ગ પરથી મોટા પ્રમાણમાં ખેતી ઉત્પાદનનો વહન થતો હોવાથી બ્રીજ બનતા ખેડૂતોને પાક બજારમાં પહોંચાડવામાં સરળતા રહેશે. સાથે સાથે વેપાર-ધંધાને પણ ગતિ મળશે અને સ્થાનિક અર્થતંત્ર મજબૂત બનશે. ધારાસભ્ય જનક તળાવીયાએ વિસ્તારની સમસ્યાઓને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગમાં સતત રજૂઆત કરી હતી. તેમની અસરકારક કામગીરી અને વિકાસલક્ષી અભિગમના પરિણામે આ મહત્વપૂર્ણ માઇનોર બ્રીજની મંજુરી મળી છે.








































