ખાંભા તાલુકાના ખડાધાર ગામે લગ્ન પ્રસંગની ખુશીના માહોલ વચ્ચે કૌટુંબિક અદાવતમાં હિંસક હુમલો થતા ચકચાર મચી ગઈ હતી. દિયરની દીકરીના માંડવા પ્રસંગે હાજર ન રહેવા જેવી સામાન્ય બાબતનું મનદુઃખ રાખીને ચાર શખ્સોએ એક મહિલા અને તેના પુત્રને લાકડીઓ તથા ઢીકાપાટુ વડે બેરહેમ માર માર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ અંગે કાળીબેન સામંતભાઇ સોલંકી (ઉં.વ.૬૦)એ બાબુભાઇ જીવાભાઇ સોલંકી, મુનાભાઇ બાબુભાઇ સોલંકી, જગાભાઇ જીવાભાઇ સોલંકી તથા અજયભાઇ જગાભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી.મળતી વિગત મુજબ, ગત તા. ૨૯/૦૧/૨૦૨૬ ના રોજ ફરિયાદી મહિલાના દિયરની દીકરીઓના લગ્ન હોવાથી તેનો માંડવો બાબુભાઈ જીવાભાઈ સોલંકીના ઘરે રાખવામાં આવ્યો હતો. તેમને આરોપી સાથે અગાઉથી અબોલા હોવાથી તેઓ માંડવા પ્રસંગે ગયા ન હતા. આ વાત આરોપીને ખરાબ લાગતા તે ઉશ્કેરાઈ ગયો હતો. આરોપીએ તેના ઘરે આવી તેમને અને તેના દીકરા સંજયભાઈને બેફામ ગાળો આપી હતી અને મહિલાને સાથળના ભાગે લાકડીનો ફટકો મારી દીધો હતો. ત્યારબાદ શરીરે તથા હાથના ભાગે લાકડી વડે માર માર્યો હતો.ત્રાસ અહીં જ ન અટકતા, મહિલાને ઢીકાપાટુનો માર મારી ફળિયામાં ધક્કો મારી પછાડી દીધી હતી. તેના દીકરા સંજયભાઈ પર આડેધડ હુમલો કરી ડાબી આંખના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ તમામ આરોપીઓએ જતી વખતે ધમકી આપી હતી કે, ‘હવે જો તું બહાર નીકળીશ તો તને જાનથી મારી નાખવાની ધમકી છે.’ આ હિંસક બનાવ બાદ ઈજાગ્રસ્ત માતા-પુત્રએ સારવાર મેળવી પોલીસમાં ન્યાયની માંગ કરી છે.








































