આણંદ,ખેડા અને મહિસાગર જિલ્લાના પશુપાલકોની સહકારી અસ્ક્્યામત એવી ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમૂલ ડેરીની ૭૯ મી અને અમૂલ રિસર્ચ એન્ડ ડેવલપમેંટ અસોશિએશનની ૬૦ મી વાર્ષિક સાધારણ સભા સરદાર પટેલ સભાગૃહ, અમૂલ ડેરી આણંદ ખાતે ચેરમેન સાભેસિંહ પરમારના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
આ પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન સાભેસિંહ પરમારે પશુપાલકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ સંઘે સરેરાશ ૪૮.૧૬ લાખ કિલોગ્રામ દૂધ પ્રતિદિન ગુણવત્તાસભર રીતે સંપાદિત કર્યું છે. સંઘનું ટર્નઓવર ૧૪,૦૯૯ કરોડ પાર કરી ગયું છે, જે ઇતિહાસમાં સૌથી વધુ છે અને ગયા વર્ષની તુલનામાં ૯.૨૦% વૃદ્ધિ દર્શાવે છે. પ્રતિ કિલો ફેટ માટે ૧૦૨૮ જેટલી ચુકવણી કરવામાં આવી છે, જે અગાઉની તુલનામાં ૯.૩૯ ટકા વધારે છે. જ્યારે ૯૮ થી વધુ પરિવારોને વીમા સહાય તરીકે ૨ કરોડથી વધુ લાભ આપવામાં આવ્યો છે.
અમૂલ ડેરીની ૭૯મી વાર્ષિક સાધારણ સભામાં ચેરમેન સાભેસિંહ પરમાર દ્વારા હાજર દૂધ મંડળીના સભ્યોનું સ્વાગત અને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે આ એક સહયોગ જ છે, જેના કારણે અમૂલ ડેરીએ છેલ્લા ૭૯ વર્ષમાં દેશના ડેરી ક્ષેત્રે ઉચ્ચ વિકાસ, ગુણવત્તા અને ઉત્પાદન ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શનો આપ્યા છે. ચેરમેન દ્વારા સંઘના સ્થાપકો સરદાર પટેલ, ત્રિભુવનદાસ પટેલ તથા ડા. વર્ગીસ કુરીયનનું સ્મરણ કરી તેમના નિઃસ્વાર્થ યોગદાનને સન્માનિત કરતા કહેવામાં આવ્યું કે, આ મહાન પ્રતિભાઓ ધ્વારા ભારતીય ડેરી અને સહકારી ચળવળ માટે આપેલા યોગદાનને ક્યારેય ભૂલી શકાતું નથી. ચેરમેન દ્વારા વધુમાં જણાવાયું કે, વર્ષ ૨૦૨૪-૨૦૨૫ દરમિયાન ચેરમેન વિપુલ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમાર તથા બોર્ડના તમામ સભ્યોના સંયુક્ત પ્રયત્નથી દૂધ સંપાદન, ઉત્પાદન વિસ્તરણ, પ્લાન્ટોનું શુદ્ધિકરણ અને નવા પ્રોજેક્ટના અમલીકરણમાં અત્યંત સાર્થક પ્રગતિ નોંધાઈ છે.
ચેરમેન દ્વારા આગલા સમયગાળામાં પણ બોર્ડ સભ્યો અને દૂધ મંડળીના સભાસદો સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય સહકાર મંત્રી અમિત શાહના સહકારથી દેશને પ્રગતિની દિશામાં આગળ લઇ જવા આતુરતા દર્શાવવામાં આવી હતી. વધુમાં ચેરમેન દ્વારા જણાવ્યું કે, અમૂલના સાચા માલિક દૂધ ઉત્પાદક ખેડૂતો અને પશુપાલકો જ છે. આ કારણે દરેક નિર્ણય, દરેક રૂપિયા અને વ્યવહાર ખાલી નફા માટે નહીં પરંતુ પશુપાલકોના હિતને કેન્દ્રમાં રાખી છે. વર્ષ દરમિયાન પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, આંધ્રપ્રદેશ, આસામ, તમિલનાડુ અને નવા રાજ્યો કર્ણાટક અને ઓરિસ્સામાં દૂધ સંપાદન પ્રક્રિયા શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી. ચેરમેને આણંદ ખાતે વધતી પુરવઠા ક્ષમતા માટે નવા આરઓ અને સોફ્ટ વોટર પ્લાન્ટ્સ, ઓટોમેટિક મિલ્ક સેમ્પલિંગ સિસ્ટમ વગેરે ઉદ્યોગિક સુવિધાઓનું પણ ઉલ્લેખ કર્યો હતો. સંઘ પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા બચત માટે સોલર પાવર જનરેશન પ્રોજેક્ટ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, નાના બાયો-ગેસ પ્લાન્ટ અને ભવિષ્યમાં વધુ પ્લાન્ટ પણ સ્થાપવાની યોજનાને પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું. સભાની શરૂઆતમાં અમૂલ ડેરીના વાઇસ ચેરમેન વિજય પટેલ દ્વારા સ્વાગત પ્રવચન દ્વારા આવકાર્યા હતા.
સભાના અંતે અમૂલ ડેરીના ડિરેક્ટર રાજેશ પાઠક દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. સભામાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકી તથા અતિથિવિશેષ તરીકે આણંદ જિલ્લાના સાંસદ મિતેષ પટેલ, ખેડા જિલ્લાના સાંસદ દેવુસિંહ ચૌહાણ તેમજ પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલસિંહ જાદવ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલ, માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર, ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર, ખેડા ડીસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓ બેન્કના ચેરમેન તેજશ પટેલ તથા અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર ડા.જયેન મહેતા હાજર રહ્યા હતા







































