વડોદરાથી દીવ વેકેશન માણવા જઈ રહેલા એક પરિવારને રાજુલા નજીક કાળ ભેટ્યો હતો. પૂરઝડપે જતી અર્ટિગા કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ભટકાઈને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં પરિવારની પુત્રવધૂનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી વિગતો અનુસાર, ફરિયાદી અને તેમનો પરિવાર ગત તા. ૧૧/૦૧/૨૬ના રોજ રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ વડોદરાથી દીવ જવા માટે પોતાની અર્ટિગા કારમાં નીકળ્યા હતા. તા. ૧૨/૦૧/૨૦૨૬ના વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં જ્યારે તેઓ મહુવા અને રાજુલા વચ્ચે વિક્ટર જવાના નેશનલ હાઈવે પર પહોંચ્યા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક મુકેશ શોભારામ યાદવે પોતાની કાર પૂરઝડપે અને બેફિકરાઈથી ચલાવતા સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર રોડની જમણી સાઈડમાં ડિવાઈડર સાથે ધડાકાભેર ભટકાઈને હાઈવે પર જ પલટી મારી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ફરિયાદીની પુત્રવધૂ સ્વીટીને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જ્યારે ફરિયાદી અને તેમના સંબંધીના દીકરા રોનીતને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. વડોદરાના પરિવારની દીવની સફર લોહીયાળ બનતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.