રામોલ ગામમાં ઇસ્લામાબાદ સોસાયટીમાં પરિવાર સાથે રહેતા મહમંદ રફીક શેખ લેબર કોન્ટ્રાક્ટનું કામકાજ કરે છે. તાજેતરમાં જ તેમના દીકરાએ મહારાષ્ટ્રના અમરાવતી ખાતે રહેતી યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. મુસ્લીમ સમાજની છોકરી હોવાથી પરિવારે લગ્નનો સ્વીકાર કર્યો હતો. ગત ૨૩ ડિસેમ્બરના રોજ મહમંદ રફીક શેખ તેના કામકાજ અર્થે મસ્કત ખાતે ગયેલા હતા. આ દરમિયાન દીકરાની પત્નીએ ઘરમાં જાણ કરીને તેનો ભાઈ મળવા માટે અહીંયા આવી રહ્યો છે. જેથી સાસુએ કહ્યું કે તારા સસરા ઘરે નથી એ આવે ત્યારે બોલાવજે પરંતુ વહુના ભાઈએ કહ્યું કે મારી બહેનની મને બહુ યાદ આવે છે. ૨૬ ડિસેમ્બરના રોજ બહેનના ઘરે આવ્યો અને એક દિવસ રોકાયો હતો.

બીજીબાજુ સસરા મોહમંદ રફીકનું કામ પૂરું થતા તેઓ પણ મસ્કતથી રામોલ ખાતે ઘરે આવી ગયા હતા. ૨૭ ડિસેમ્બરના રોજ મોઈનને મહારાષ્ટ્ર ખાતે જવાનું હોવાથી મહમંદ રફીકભાઈનો દીકરો રીઝવાન તેના સાળા મોઈનને મણિનગર રેલવે સ્ટેશન મૂકવા ગયો હતો. આગળ તેના સસરા પણ મળ્યા તો તેમને પૂછ્યું કે ઘરે કેમ આવ્યા નહીં કહેતા સસરાએ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા.

બાદમાં ૧ જાન્યુઆરીના રોજ રીઝવાને ઘરમાં રહેલી તિજારી ખોલીને જાતા તેનું લોક ખુલ્લું હતું. અને અંદર મૂકેલા સોનાના દાગીના અને રોકડ સહિત કુલ રૂ.૩.૫૦ લાખની મત્તા ચોરાયેલી હતી. સમગ્ર મામલો બહાર ત્યારે આવ્યો જ્યારે બહેનને મળવા આવેલો ભાઈ જ્યારે પાછો જતો હતો ત્યારે બહેનને રૂ.૩૦૦૦ આપ્યા હતા જે રૂપિયા પરણીતાએ તેના પતિને આપ્યા હતા તે રૂપિયાના સિરિયલ નંબર જાતા પતિ રીઝવાનને શંકા ગઈ કે તેના સાળાએ જ ચોરીને અંજામ આપ્યો છે.

સસરા મહમંદ રફીક શેખે પુત્રવધૂના ભાઈને ફોન કરીને પૂછતા શરૂઆતમાં ઇનકાર કર્યો હતો પરંતુ બાદમાં પોલીસ કેસ કરવાની કહેતા પુત્રવધૂનો ભાઈએ સ્વીકારી લીધું કે તેણે જ ૨૬ ડિસેમ્બરની રાતે ઘરમાં બધા સૂતા હતા, ત્યારે તિજારીનું લોક ખોલીને રોકડા રૂપિયા અને દાગીનાની ચોરી કરી છે. ત્યારબાદ રૂપિયા અને દાગીના પાછા આપવાનું કહેતા આરોપી મોઈને જણાવ્યું કે હું અને મારા પિતા અહીંયા આવ્યા અને ખરીદી કરી તેનો ખર્ચો રૂ.૧.૫૦ લાખ થયો હતો તે આપી દો એટલે તમારા દાગીના અને રોકડા રૂપિયા પાછા આપી દઈશું. જેથી સમગ્ર મામલે સસરાએ ઘરની પુત્રવધૂના ભાઈ અને પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.