વિંછીયા તાલુકાના ઓરી ગામે પવનચક્કીના વ્યવહારને લઈને બે જૂથો વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. આ તંગદિલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સામસામે ફાયરિંગની ગંભીર ઘટના બની હતી, જેમાં ચારથી વધુ રાઉન્ડ ફાયર થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ વિંછીયા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. આ મામલે વિંછીયા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષ તરફથી અલગ-અલગ બે ફરિયાદો નોંધાઈ છે. આ ફાયરિંગની ઘટના તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૬ ના રાત્રે ઘટના બની હતી. આ સમગ્ર મામલે પોલીસે કુલ નવ શખ્સો સામે આર્મ્સ એક્ટ, હત્યાના પ્રયાસ અને રાયોટિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. નોંધાયેલી ફરિયાદ મુજબ, કુલદીપ ખાચર, પ્રતાપ ખાચર અને લઘુ ધાધલ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના આરોપો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે ઝડપી કાર્યવાહી કરતા પાંચ આરોપીઓને ઝડપી પાડ્‌યા છે. પોલીસે હથિયારો કબજે કરવાની કાર્યવાહી પણ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પવનચક્કીના ધંધાને લઈને લાંબા સમયથી ચાલી રહેલી માથાકૂટ આ અથડામણમાં પરિણમી હતી. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.