ગજેરા ટ્રસ્ટ સંચાલિત શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ, અમરેલીના કોમ્યુનિટી મેડિસિન વિભાગ તેમજ ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર દ્વારા સાવરકુંડલાના કબીર ટેકરી વિસ્તારમાં માનવતાના હેતુથી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો શુભારંભ કબીર ટેકરીના મહંત નારાયણદાસના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીઓની સઘન તપાસ કરવામાં આવી હતી. સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે સ્થળ પર જ ડાયાબિટીસ (સુગર) અને હિમોગ્લોબિનની લેબોરેટરી તપાસ, બ્લડ પ્રેશર તેમજ તાવ, શરદી, ઉધરસ જેવા સામાન્ય રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું. તપાસ બાદ દર્દીઓને જરૂરી તમામ દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતી.







































