લાઠી અને બાબરા તાલુકાના માર્ગ અને માળખાગત વિકાસ માટે ધારાસભ્ય જનક તળાવિયાના પ્રયત્નોથી રાજ્ય સરકાર દ્વારા રૂ. ૪૩.૬૫ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. મંજૂર થયેલા વિકાસ કામોમાં રીસર્ફેસીંગ રોડ, સી.સી. રોડ, નાળા-પુલિયા, માઇનોર બ્રિજ તેમજ પ્રોટેક્શન વોલ જેવા મહત્વના કામોનો સમાવેશ થાય છે. ખાસ કરીને ખરાબ હાલતમાં આવેલા માર્ગોના નવીનીકરણથી વાહન વ્યવહાર વધુ સુરક્ષિત અને સુગમ બનશે. વરસાદી પાણીના નિકાલ માટે નાળા-પુલિયા તથા પ્રોટેક્શન વોલના કામો થવાથી ખેતરો, વસાહતો અને માર્ગોને નુકસાનથી બચાવી શકાય તેમ બનશે. આ અંગે ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું હતું કે, “લાઠી–બાબરા તાલુકાના વિકાસ માટે હું સતત રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરતો રહ્યો છું. પ્રજાજનોની માંગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ કામોની મંજૂરી મળવી એ મારા માટે આનંદની વાત છે. આ વિકાસ કામો પૂર્ણ થયા બાદ તાલુકાના આર્થિક, સામાજિક અને વ્યાવસાયિક વિકાસને વધુ વેગ મળશે.”







































