બનાસકાંઠા જિલ્લાના આદિવાસી સમાજમાં છેલ્લા ત્રણ વર્ષથી જાતિના દાખલા મેળવવામાં આવતી હેરાનગતિ અને તેના કારણે યુવાનોની સરકારી નોકરીઓ અટકી પડવાના મુદ્દે આક્રોશ વધી રહ્યો છે. આ મુદ્દે દાંતા વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતી ખરાડીની આગેવાનીમાં આદિવાસી આગેવાનો અને યુવાનોએ રવિવારે પાલનપુરથી ગાંધીનગર સુધીની ૧૩૧ કિલોમીટરની પદયાત્રા શરૂ કરી હતી. આ યાત્રા ચાર જિલ્લાઓમાંથી પસાર થઈને ગાંધીનગર પહોંચી મુખ્યમંત્રીને રજૂઆત કરવાની છે.જાકે, પોલીસે મંજૂરી ન હોવાના કારણે પાલનપુરથી માત્ર ૧૨ કિમી દૂર કાણોદર નજીક યાત્રાને અટકાવી દીધી હતી. સમજાવટ નિષ્ફળ જતાં મોડી રાત્રે પોલીસે ટીંગાટોળી કરી આગેવાનોની અટકાયત કરી હતી. અટકાયતમાં લેવાયેલા તમામને પાલનપુર તાલુકા પોલીસ મથકમાં રાખવામાં આવ્યા હતા, પરંતુ વહેલી સવારે તેમને છોડી મુકવામાં આવ્યા હતા.ધારાસભ્ય કાંતી ખરાડીએ જણાવ્યું કે, “આજે અમે ફરીથી સિદ્ધપુરથી પદયાત્રા શરૂ કરીશું. લાંબા સમયથી જિલ્લા કક્ષાએ રજૂઆતો કરવા છતાં જાતિ દાખલાની સમસ્યાનું નિવારણ આવ્યું નથી. ભણેલા-ગણેલા યુવાનો દાખલાના અભાવે નોકરીથી વંચિત રહી રહ્યા છે.સ્થાનિક સ્તરે સમસ્યા ઉકેલાતી ન હોવાથી ગાંધીનગર સુધી પદયાત્રા કરવી પડી છે.”આદિવાસી આગેવાન ઈશ્વર ડામોરે કહ્યું કે, “છેલ્લા ત્રણ-ચાર વર્ષથી જાતિ દાખલા મેળવવામાં હેરાનગતિ દૂર કરવા માટે સ્થાનિક અધિકારીઓ, મામલતદાર, કલેક્ટર, મંત્રીઓ, મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી લેખિત રજૂઆતો કરી છે, પરંતુ કોઈ સકારાત્મક પગલું લેવાયું નથી. ત્રણ વર્ષથી મહેનત કરી પરીક્ષા પાસ કરનાર યુવાનોના નોકરીના ઓર્ડર જાતિ ખરાઈના નામે અટકાવી રાખવામાં આવ્યા છે.











































