લીલીયા મોટા ખાતે કાર્યરત શ્રી ગ્રામ્ય લક્ષ્મી અને ધિરાણ કરનારી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. મંડળીના સભાસદ ફિરોજભાઈ અકબરભાઈ પઠાણનું દુઃખદ અવસાન થતા, મંડળીના નિયમાનુસાર તેમના વારસદારને આર્થિક સહાય પૂરી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સભાસદ વેલ્ફેર ફંડ એટલે કે સભાસદ મૃત્યુ સહાય પેટે કુલ ૫૦ હજાર રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી હતી. આ સહાયનો ચેક અર્પણ કરવા માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મંડળીના ચેરમેન હિતેશભાઈ જે. કારીયા, એમ.ડી. દિનેશભાઈ એચ. ભટ્ટ તેમજ બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો રસિકભાઈ વંડ્રા, વાલજીભાઈ માંડણકા અને જયેશભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ મહાનુભાવોના વરદ હસ્તે અને સ્થાનિક વેપારી અગ્રણીઓની પ્રત્યક્ષ હાજરીમાં વારસદારને ચેક સોંપવામાં આવ્યો હતો.