સંઘપ્રદેશ દમણના આંટીયાવાડ વિસ્તારમાં તળાવમાં ડૂબી જતા ત્રણ બાળકોના મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. હિંગળાજ તળાવમાં ૭ બાળકો નાહવા પડ્યા હતા. તેમાંથી ૪ બાળકો ડૂબ્યા હતા. ઘટનાને કારણે દોડધામ મચી ગઈ હતી. બાળકોને ડૂબતા જાઈ એક યુવકે તળાવમાં કૂદી ૧ બાળકને બચાવી લીધો હતો.બનાવની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તળાવમાં શોધખોળ હાથ ધરી હતી. કડકડતી ઠંડીમાં પણ મોડી રાત સુધી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ શોધખોળ ચાલુ રાખી હતી.ઘટનાને લઈ દમણના રાજકીય અગ્રણીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા. કલાકોની શોધખોળ બાદ આખરે ત્રણેય બાળકોનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમને પોસ્ટમોર્ટમ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આમ એક સાથે ત્રણ બાળકોના ડૂબી જવાથી મોતને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.








































