અમરેલી જિલ્લાના અરબી સમુદ્રની વચ્ચે જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ ગામમાં ૧૫ હજારથી વધુ વસ્તી છે. અહીં આ ગામમાં જવા માટે માત્ર દરિયાઇ માર્ગ જ છે અને બોટમાં બેસીને ગામમાં પ્રવેશ મેળવી શકાય છે. શિયાળબેટ ગામના લોકો માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. પીપાવાવ પોર્ટ દ્વારા ન્ઁય્ જેટી બનાવવા ડ્રેજિંગની કામગીરી શરૂ થઇ છે, જેના કારણે ગામ અને માછીમારોને નુકસાનની સ્થિતિ સર્જાઈ છે. આ કામગીરી દરમિયાન માછીમારોના બીયા કંપની દ્વારા કાઢી નાખવાનું કહેતા માછીમારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જો અહીં માછીમારો તે કાઢી નાખે તો તેમની રોજગારી છીનવાઈ જાય તેમ છે. પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી નિયમ અનુસાર નહીં થતી હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ગ્રામજનોને ડ્રેજિંગની કામગીરીની જાણ પણ કરવામાં આવી ન હતી અને પોર્ટ દ્વારા મનમાની મુજબ કામગીરી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. આ બાબતે ગામના સરપંચ મંજુબેન બાળધિયા, યુવા આગેવાન જીવરાજભાઈ ગુજરીયા સહિતના મોટી સંખ્યામાં ગ્રામજનો રાજુલા પ્રાંત કચેરી ખાતે ગયા હતાં. પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં જણાવેલ જેટી બનવાથી દરિયાનું સ્તર ઊંચું આવશે અને ગામ ભવિષ્યમાં ડૂબી જશે તેવી પરિસ્થિતિ નિર્માણ થાય તેમ છે. ડ્રેજિંગની કામગીરી ખુબ જ ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે જેના કારણે દરિયાના પેટાળમાં રહેલા પથ્થરો તોડીને ચેનલ બનાવવા આવી રહેલ હોય આ પથ્થરો કાઢી નાખવાથી શિયાળબેટ ગામ ટાપુ છે તેના પાયા પર ખુબજ મોટી અસર થાય તેમ છે.
ડ્રેજિંગના કારણે ગામ વિસ્તારને પીવાના પાણીના બોર ક્ષારયુક્ત થઈ જશે. ગામ લોકોનું આરોગ્ય પણ જોખમાશે. દરિયાઈ વિભાગના નિષ્ણાતોની ટીમની દેખરેખ હેઠળ આ કામગીરી કરવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે.








































