સાવરકુંડલા-લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની રજૂઆતને પગલે ગુજરાત સરકારે તાલુકાના ખડસલી, મેરિયાણા, મોટા ભમોદ્રા, ઘોબા, કરજાળા, સીમરણ, અને સેંજળ ગામોમાં રસ્તાની સુવિધા માટે રૂ.૫.૯૫ કરોડની રકમ મંજૂર કરી છે. આ વિકાસ કાર્યોથી ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોની સુવિધામાં મોટો વધારો થશે, જેનાથી ગ્રામજનો અને ખેડૂતોને તેમના પાકને બજાર સુધી પહોંચાડવામાં સરળતા મળશે. આ યોજના ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપશે. મંજૂર થયેલા મુખ્ય કામોમાં ખડસલી એપ્રોચ રોડ માટે રૂ.૧૫૦ લાખ, સીમરણ સુવિધા પથ માટે રૂ.૧૦૦ લાખ અને ઘોબા સુવિધા પથ માટે રૂ.૯૦ લાખનો સમાવેશ થાય છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ જનહિતના આ કામોને તાત્કાલિક મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.







































