સાવરકુંડલા શહેરમાં હાલ ચાલી રહેલા ઓવરબ્રિજના કામને કારણે મોટા વાહનો અને ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, આ નિયમોનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. બાયપાસની સુવિધા ઉપલબ્ધ હોવા છતાં, ભારે વાહનો નાળા નીચેથી શહેરમાં પ્રવેશી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા વિકટ બની છે અને સામાન્ય નાગરિકોની હાલત કફોડી થઈ ગઈ છે. શહેરના મુખ્ય માર્ગો પર સવાર અને સાંજના સમયે વાહનોની લાંબી કતારો જોવા મળે છે. ઓવરબ્રિજના નિર્માણ વચ્ચે મોટા વાહનોના અનધિકૃત પ્રવેશને લીધે શાળાએ જતા બાળકો, ઓફિસ જતા કર્મચારીઓ અને વેપારીઓને કલાકો સુધી અટવાઈ રહેવું પડે છે. સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે, “અમે કલાકો સુધી અટવાઈને કંટાળી ગયા છીએ, પરંતુ તંત્ર ક્યારે જાગશે?” જાહેરનામા માત્ર કાગળ પર જ હોય તેવો ઘાટ સર્જાયો છે. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગને અનેક રજૂઆતો કરવા છતાં નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. નાગરિકો અને વેપારી મંડળોએ માંગ કરી છે કે, ઓવરબ્રિજનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી બાયપાસનો ફરજિયાત ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવે અને નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી અકસ્માતોનું જોખમ ટાળી શકાય.






































