ગુજરાતમાં ફરીથી સંબંધોને શરમાવતો કિસ્સો સામે આવ્યો છે. બીલીમોરાના દેવસરમાં જનેતાએ જ પોતાના બે માસૂમ બાળકોની હત્યા કરી નાખી છે. આ મહિલાને સપનું આવ્યું અને તેને બે બાળકોને ગળાટૂંપો દીધાનું આ ક્રૂર માતા જણાવી રહી છે. જાકે, બીલીમોરા પોલીસે ગણતરીના કલાકોમાં અત્યારે મહિલાની ધરપકડ કરી લીધી છે. આ અંગે મહિલાના પતિએ જણાવ્યું છે કે, “મેં જાયું કે, રાતે બાળકોને મારીને તેની પર બેઠી હતી.”પતિએ આ અંગે જણાવ્યું કે, મને ટાઈફોઇડ થઈ ગયો હતો એટલે હું હોસ્પિટલમાં દાખલ હતો. મારી પત્ની બપોર સુધી મારી સાથે હતી. જે બાદ તે ઘરે ગઈ અને ટિફિન લઈને મારા મમ્મી પપ્પા આવ્યા. મારા પપ્પા મમ્મીને હોસ્પિટલ મૂકીને ઘરે ગયા હતા. ત્યાં પછી શું થયું શું ના થયું એ મને ખબર નથી. બાજુવાળાનો મને ફોન આવ્યો એટલે હું ઘરે ગયો. ત્યારે ઘરનો દરવાજા બંધ હતો તે તોડ્યો. મેં પોલીસને પણ ફોન કર્યો. રૂમનો દરવાજા ખોલીને જાયું તો પપ્પાને બહું મારેલા હતા અને પત્ની અમારા બે બાળકો પર બેઠી હતી. તેના વાળ ખુલ્લા હતા અને માથા પર મોટો ચાંદલો કર્યો હતો.આ સાથે તેમણે જણાવ્યું કે, આઠ વર્ષ સુધી અમારે કોઈ પણ પ્રકારનો ઝઘડો થયો ન હતો. પણ તેના મગજમાં વિવિધ પ્રકારના વિચારો આવ્યા કરતા હતા તેની માનસિકતા આવી થઈ ગઈ હતી.માહિતી એવી પણ મળી રહી છે કે, બે  બાળકોનો ભોગ લીધા બાદ પણ મહિલાએ તેના સસરાની હત્યા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. જાકે સદનસીબે સસરાનો જીવ બચી ગયો હતો. આ ઘટનાથી સમગ્ર બીલીમોરા શહેરમાં ચકચાર અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે.રાજકોટમાં પણ માતાએ બે બાળકોની હત્યા કરીને પોતે પણ જીવન ટૂંકાવ્યું છે. નવાગામ (આણંદપર)ની શક્તિ સોસાયટી શેરી નં.૬માં રહેતી ૨૮ વર્ષીય અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ તેની બે પુત્રી ૮ વર્ષીય પ્રિયાંશી અને ૫ વર્ષીય હર્ષિતાને ગળે ટૂંપો દઈ મોતને ઘાટ ઉતારી દીધા બાદ પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મકાનના ઉપરના માળે આવેલા રૂમમાં અસ્મિતાબેને આ પગલું ભરી લીધું હતું. રાતે તેનો પતિ ઘરે આવ્યો ત્યારે તેને સૌથી પહેલાં આ ઘટનાની જાણ થઈ હતી. તેણે દરવાજા તોડીને અંદર જઈ ત્રણેયના મૃતદેહો નીચે ઉતાર્યા બાદ પોલીસને જાણ કરી હતી. તે સાથે જ બી-ડિવીઝન પોલીસ ઉપરાંત ઝોન-૧ના ડીસીપી અને એસીપી સહિતના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.