સુરતમાં ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીનો એક વધુ દાખલો સામે આવ્યો છે. માત્ર રૂપિયા ૮૦૦ની લાંચ લેતા તલાટી કમ મંત્રી હિંમત સોલંકીને સ્પેશિયલ એસીબી કોર્ટે ત્રણ વર્ષની સખત કેદ અને ૨૫,૦૦૦ના દંડની સજા ફટકારી છે.સિંગણપોર ગામના એક રહેવાસીએ પોતાની જમીનના નમુના અને હકપત્રક ઉતારા માટે અરજી કરી હતી. પરંતુ તલાટી હિંમત સોલંકીએ અરજી પ્રક્રિયા આગળ વધારવા માટે ૧,૦૦-૦ની લાંચ માગી હતી. અંતે વાતચીત બાદ ૮૦૦માં સમજૂતી થઈ.ફરિયાદી આ બાબતે અસંતોષ વ્યક્ત કરીને એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો. એસીબીએ ટ્રેપ ગોઠવી તલાટીને રંગે હાથે લાંચ લેતા પકડી પાડ્યો. લાંચ લેવાની ઘટનાની પુરતી સાબિતી બાદ કેસ કોર્ટમાં ચાલ્યો.સ્પેશિયલ એસીબી કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓને આધારે હિંમત સોલંકીને ત્રણ વર્ષની સખત કેદની સજા અને ૨૫,૦૦૦નો દંડ ફટકાર્યો. જા દંડ ન ભરવામાં આવે તો ત્રણ મહિનાની સાદી કેદ વધારાની ભોગવવી પડશે. માત્ર ૮૦૦ માટે નોકરી અને પ્રતિષ્ઠા ગુમાવવી એ ભ્રષ્ટાચારના ગંભીર પરિણામોની ચેતવણી છે. આ ચુકાદો સ્પષ્ટ સંદેશ આપે છે કે ભ્રષ્ટાચાર કેટલો પણ નાનો હોય, કાયદાની નજરમાં તે ગંભીર ગુનો છે અને દોષિતને ચોક્કસ સજા થશે.