અમરેલી જિલ્લાના ઘરવિહોણા અને કાચા આવાસમાં રહેતા ૪૨૭ પરિવારો માટે આ દીપાવલી ખાસ બની રહેશે, કારણ કે તેઓ ‘પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ’ (PMAY-G) હેઠળ મળેલા નવા પાકા મકાનોમાં પર્વની ઉજવણી કરશે. વર્ષ ૨૦૨૫-૨૬માં આ યોજના હેઠળ ૪૨૭ લાભાર્થીઓને પાકા આવાસ માટે જુદા જુદા તબક્કામાં કુલ અંદાજે રૂ. ૭૨૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે. આ યોજના થકી તેમનું “ઘરના ઘર”નું સ્વપ્ન સાકાર થયું છે. હાલમાં જિલ્લામાં ૩૨૨ લાભાર્થીઓના આવાસ પ્રગતિ હેઠળ છે.PMAY-G હેઠળ લાભાર્થીઓને તબક્કાવાર કુલ રૂ.૧.૦૫ લાખની સહાય ઉપરાંત મનરેગા હેઠળ રૂ.૨૫,૦૦૦, શૌચાલય માટે રૂ.૧૨,૦૦૦ અને બાથરૂમ માટે રૂ.૫,૦૦૦ની સહાય મળે છે. વધુમાં, મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજના હેઠળ ૬ માસમાં આવાસ પૂર્ણ કરવા બદલ વધારાના રૂ.૨૦,૦૦૦નો લાભ પણ મળવાપાત્ર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની આ સંયુક્ત પહેલથી ગરીબ પરિવારોને પાકા અને સુવિધાજનક આવાસ મળે છે.