અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠે આવેલો શિયાળબેટ ટાપુ, આઝાદીના લગભગ સાત દાયકાઓ સુધી વીજળીની સુવિધાથી વંચિત હતો. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૫૦૯૬ની વસ્તી ધરાવતા આ ટાપુનું વીજળીકરણ ભૌગોલિક અને દરિયાઈ પડકારોને કારણે શક્ય બનતું નહોતું. તોફાની દરિયાઈ વાતાવરણના કારણે ગ્રીડ પાવર સાથેનું જોડાણ ટેકનિકલ અને આર્થિક રીતે મુશ્કેલ હતું.રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત ગૌરવ દિન-૨૦૦૮માં શિયાળબેટના વીજળીકરણની જાહેરાત કરી હતી. ત્યારબાદ, સતત ત્રણ પ્રયત્નોમાં કોન્ટ્રાક્ટ માટે યોગ્ય પ્રતિભાવ ન મળ્યા બાદ, ચોથી વખત ઓનલાઈન ટેન્ડર દ્વારા રૂ. ૧૭.૪૭ કરોડના ખર્ચે આ યુનિક પ્રોજેક્ટનું કામ શરૂ થયું હતું. આ પ્રોજેક્ટ હેઠળ દરિયામાં મરીન કેબલ પાથરવા માટે ખાસ મરજીવાઓની ટીમ, હાઇડ્રોગ્રાફિક સર્વે મશીનરી અને કુશળ માનવબળની જરૂર પડી હતી. ભરતી-ઓટ અને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને દરરોજ મર્યાદિત સમય માટે જ કાર્ય થઈ શકતું હતું. આ પડકારો પાર કરીને, જૂન-૨૦૧૬માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે શિયાળબેટ ટાપુ પર વીજળી પુરવઠો કાર્યરત કરવામાં આવ્યો, અને ગામના અંધકાર યુગનો અંત આવ્યો હતો.
૬ મહિનાથી લાઈટ નથી, પીવાનું પાણી પણ મળતું નથી: સરપંચ
શિયાળબેટ ગામે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા અંધેરા ઉલેચવામાં આવ્યા હતા પરંતુ આ અંગે શિયાળબેટના સરપંચે જણાવ્યું હતું કે, તૌકતે વાવાઝોડા પછી ગામમાં લાઈટ અનિયમિત થઈ ગઈ છે. હાલ તો છેલ્લાં ૬ મહિના કરતા વધારે સમયથી લાઈટ નથી જેથી ફરી અંધકારયુગ આવી ગયો છે. સાથોસાથ પીવાનું મીઠુ પાણી જે દરિયાની નીચેથી મહીની લાઈન નાખીને આવતું હતું તે પણ છેલ્લાં ૮ મહિનાથી બંધ છે. આમ, શિયાળબેટના ગ્રામજનો પાણી અને લાઈટ વગર ભારે હાલાકી ભોગવી રહ્યાં છે.









































