સાવરકુંડલાના સુથાર સમાજમાં એક અત્યંત હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક ઘટના જોવા મળી છે. જ્યાં ધનજીભાઈ બાબુભાઈ સોનિગરા (ઉં.વ. ૭૫)ના અવસાન બાદ તેમની પાંચ દીકરીઓએ પુત્રની ગેરહાજરી અનુભવવા દીધી નહોતી અને પિતાના અંતિમ સંસ્કારની તમામ વિધિઓ જાતે કરીને ‘દીકરો-દીકરી એક સમાન’ના ઉચ્ચ વિચારને સાચા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. સામાન્ય રીતે ધાર્મિક પરંપરાઓ અનુસાર, અંતિમયાત્રામાં કાંધ આપવા અને અગ્નિદાહ આપવાનું કાર્ય દીકરાઓ દ્વારા કરવામાં આવે છે. પરંતુ, ધનજીભાઈની પાંચ સંસ્કારી દીકરીઓએ સ્મશાન સુધી કાંધ આપીને દીકરી તરીકેની તેમની ફરજ નિભાવી. ત્યારબાદ, સ્મશાનભૂમિમાં પણ આ પાંચેય દીકરીઓએ જ ચિતાને અગ્નિદાહ આપીને પિતાને મોક્ષની યાત્રામાં સહાય કરી. આ હૃદયસ્પર્શી દ્રશ્યોએ ઉપસ્થિત સૌને ભાવુક કર્યા હતા.