લોકદ્રષ્ટિ ચક્ષુબેંક, લીલીયા દ્વારા નેત્રદાન જાગૃતિ પખવાડિયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ માનવતાવાદી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નેત્રદાન, દેહદાન અને અંગદાનનું મહત્વ સમજાવી લોકોને તેમાં સહભાગી થવા માટે પ્રેરિત કરવાનો છે. લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના પ્રમુખ ડો. પ્રફુલભાઈ શિરોયા અને ઉપપ્રમુખ દિનેશભાઈ જોગાણી સહિતના સ્વયંસેવકોએ આ અભિયાનને વેગ આપ્યો છે. આ પ્રસંગે, ડા. જયંતિભાઈ કુંભાણીએ પ્રથમ નેત્રદાનનો સંકલ્પ લીધો હતો. નટુભાઈ વસોયાએ નેત્ર પ્રત્યારોપણ માટે આર્થિક સહયોગની તૈયારી દર્શાવી હતી. ડા. દિનેશભાઈ જોગાણીએ નેત્રદાન શા માટે જરૂરી છે, કોણ નેત્રદાન કરી શકે અને તેનાથી કોને લાભ થાય તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી.