ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા ધો.૫ અને ધો.૧૦ના વિદ્યાર્થીઓને ટીડી અને ડીપીટીની રસી આપવામાં આવે છે. વેરાવળની એક ખાનગી સ્કૂલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ધો.૫ અને ધો.૧૦ ના વિદ્યાર્થીઓને ટીડી અને ડીપીટીની રસી આપવામાં આવી હતી. જેથી કુલ વિવિધ શાળાઓમાં ૪૭૦ કરતા વધુ વિદ્યાર્થીઓને ટીડી અને ડીપીટીની રસી અપાઇ છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ, જિલ્લાની વિવિધ સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ધો.૫ના ૪૨૧ અને ધો.૧૦માં અભ્યાસ કરતા ૫૫ વિદ્યાર્થીઓને ટીડી અને ડીપીટીની રસી આપવામાં આવી છે. આ ડીપીટીની રસી જે ત્રિગુણી રસી તરીકે પણ ઓળખાય છે. જે ડિપ્થેરિયા, પરટ્યુસીસ (ઉટાટિયું ) અને ધનુરના રોગ સામે રક્ષણ આપે છે અને પાંચ વર્ષની ઉંમરે તેનો બુસ્ટર ડોઝ આપવામાં આવે છે. જે આ વર્ષથી સરકાર દ્વારા બાળવાટિકામાં ભણતા બાળકોને RBSK (રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ)ના માધ્યમથી શાળામાં જ આ રસીની સુવિધા આપવામાં આવી છે.