અમરેલી જિલ્લામાં એક બાજુ મેઘરાજા મન મૂકીને વરસતા ન હોવાથી ખેડૂતોના ચહેરા પર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી બાજુ નીલગાયના ટોળે-ટોળા ખેતરોમાં દોડતા હોવાથી ખેતી પાકનો સોથ વળી રહ્યો છે. ખાસ કરીને ધારી તાલુકાના ગોપાલગ્રામ, દહીડા, ઢોલરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં નીલગાયનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ વધી રહ્યો છે. ખેડૂતોએ ચોમાસુ પાકનું વાવેતર કરી નાખ્યા બાદ અમરેલી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી તો હવે નીલગાયોના ત્રાસથી ખેડૂતોની માઠી દશા બેઠી છે. વાવેતર કર્યા બાદ કપાસ અને મગફળી હજુ થોડા મોટા થયા છે ત્યાં નીલગાયના ધાડેધાડા ખેતરોમાં આંટા મારતા હોવાથી ખેતી પાકનો સોથ વળી રહ્યો છે. જેથી નીલગાયોને ખેતરોમાંથી દૂર કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે.