રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજ્યના આરોગ્ય કર્મચારીઓ ફરી એકવાર સક્રિય બન્યા છે. આરોગ્ય કર્મચારી સંઘ અને મહાસંઘ દ્વારા સરકારને અગાઉ કરવામાં આવેલા વાયદાઓની યાદ અપાવીને તાત્કાલિક અમલ માટે દબાણ વધારવામાં આવી રહ્યું છે.
આ તરફ સંઘના આગેવાનોનું કહેવું છે કે, અગાઉના આંદોલન દરમિયાન સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલી અનેક મહત્વપૂર્ણ માંગણીઓ આજે પણ કાગળ પર જ છે. ખાસ કરીને ઉચ્ચતર પગાર ધોરણ, ટેકનિકલ કેડરના પ્રશ્નો અને વિવિધ જગ્યાઓના અપગ્રેડેશન જેવા મુદ્દાઓ પર હજુ સુધી કોઈ સ્પષ્ટ અમલ જાવા મળ્યો નથી.
આરોગ્ય કર્મચારીઓનો આક્ષેપ છે કે, સરકારે તે સમયે પરિસ્થિતિ શાંત કરવા માટે આશ્વાસનો આપ્યા હતા, પરંતુ લાંબા સમય બાદ પણ તે વચનો પૂર્ણ કરવામાં આવ્યા નથી. આથી હવે કર્મચારીઓ વધુ આક્રમક વલણ અપનાવી રહ્યા છે અને સરકારને અલ્ટીમેટમ આપી રહ્યા છે કે, જા માંગણીઓનો ઝડપથી ઉકેલ નહીં આવે તો વધુ મોટા આંદોલન માટે મજબૂર બનવું પડશે.
સંઘ દ્વારા ખાસ કરીને આઠ મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં પગાર સુધારા, કેડર મજબૂતી, અને કામકાજની પરિસ્થિતિમાં સુધારો સામેલ છે. કર્મચારીઓ માને છે કે આ મુદ્દાઓના નિરાકરણ વિના આરોગ્ય સેવાઓની ગુણવત્તા પર પણ અસર પડી શકે છે. ચૂંટણી સમયગાળા દરમિયાન આ મુદ્દો વધુ સંવેદનશીલ બની ગયો છે, કારણ કે આરોગ્ય ક્ષેત્ર સાથે જાડાયેલા હજારો કર્મચારીઓની અસંતોષની લાગણી રાજકીય રીતે પણ અસરકારક બની શકે છે.








































