પશ્ચિમ બંગાળના એક પુરુષે બળાત્કારના કેસમાં મહિલાની ગેરસમજને કારણે ૫૧ દિવસ જેલમાં વિતાવ્યા. જ્યારે ફરિયાદી મહિલાએ દાવો કર્યો હતો કે તેણે કોઈ ગેરસમજને કારણે કેસ દાખલ કર્યો હતો, ત્યારે કોલકાતાની કોર્ટે તે પુરુષને નિર્દોષ જાહેર કર્યો.

આ કેસમાં, વ્યક્તિની ૨૪ નવેમ્બર ૨૦૨૦ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ ના રોજ, તેને કોર્ટમાંથી જામીન મળ્યા. વ્યક્તિને જામીન ન મળે ત્યાં સુધી ૫૧ દિવસ જેલમાં રહેવું પડ્યું.

મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે તે ૨૦૧૭ થી તે પુરુષ સાથે સંબંધમાં હતી. પુરુષે લગ્નનું વચન આપીને સોલ્ટ લેકની એક હોટલમાં તેની સાથે રાત વિતાવી હતી. આ સમય દરમિયાન તેમના શારીરિક સંબંધો હતા. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે બીજા દિવસે સવારે તે પુરુષે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો. જોકે, તે પુરુષે બધા આરોપોને નકારી કાઢ્યા હતા અને પોતાને નિર્દોષ જાહેર કર્યા હતા.

કોર્ટના દસ્તાવેજા અનુસાર, મહિલાએ સુનાવણી દરમિયાન દાવો કર્યો હતો કે તેણે ગેરસમજને કારણે વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી. આ સિવાય તેને કંઈ યાદ નથી. મહિલાએ વધુમાં કહ્યું કે ફરિયાદ તેના મિત્ર દ્વારા લખવામાં આવી હતી અને તેણે ફરિયાદની સામગ્રી જાણ્યા વિના સહી કરી હતી.

કોલકાતાની ફાસ્ટ ટ્રેક-૨ કોર્ટના વધારાના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અનિંદ્ય બેનર્જીએ ૨૮ ઓગસ્ટના રોજ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, ‘ભારતીય દંડ સંહિતાની કલમ ૪૧૭/૩૭૬ હેઠળ ફરિયાદ પક્ષ આરોપ સાબિત કરવામાં ખરાબ રીતે નિષ્ફળ ગયો છે અને આરોપી શંકાનો લાભ મેળવવાનો હકદાર છે.’

જજે કહ્યું કે મહિલાની જુબાની પરથી સ્પષ્ટ થાય છે કે આ કેસ ફક્ત બે પુખ્ત વયના લોકો વચ્ચે સંમતિથી થયેલા શારીરિક સંબંધનો હતો. ફરિયાદી મહિલાએ કોર્ટમાં પોતાની જુબાની દરમિયાન આરોપી વિરુદ્ધ બળાત્કાર (કલમ ૩૭૬) કે છેતરપિંડી (કલમ ૪૧૭)નો કોઈ આરોપ લગાવ્યો ન હતો. કોર્ટે એમ પણ કહ્યું કે ફરિયાદ પક્ષના અન્ય સાક્ષીઓ – મહિલાની માતા, દાદી અને પાડોશીએ પણ આરોપી વિરુદ્ધના આરોપોની પુષ્ટિ કરી નથી.