આશરે ચાર વર્ષ પહેલા બગસરા ખાતે સોનું કાઢવાના બહાને રૂ. ૪૦,૭૫,૦૦૦/- (ચાલીસ લાખ પંચોતેર હજાર)ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર લિસ્ટેડ આરોપીને અમરેલી પેરોલ ફર્લો સ્કવોર્ડે મુંબઈ ખાતેથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આરોપી તેના મળતીયાઓ સાથે મળીને પૂર્વ આયોજિત કાવતરું રચી, ફરિયાદીના ખેતરે સોનું કાઢવા આવ્યા હતા. ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે જમીનમાં ખાડો કરાવી, જૂના સોના જેવા ધાતુના રાણી સિક્કા નાખ્યા હતા. સિક્કા પર પાણી નાખતા ધુમાડો થતા ‘માયા અસુરી છે, શુદ્ધ કરવા વિધિ કરાવવી પડશે’ તેમ કહી, અલગ અલગ સમયે અને જગ્યાએ ફરિયાદી પાસેથી રૂબરૂ તથા આંગડિયા પેઢી મારફતે કુલ રૂ. ૪૦,૭૫,૦૦૦/- પડાવી લીધા હતા. આ અંગે બગસરા એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૯૨૧ ૦૪૮૭/૨૦૨૧ IPC કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦ બી, ૩૪ મુજબ ગુનો દાખલ થયેલ હતો અને આરોપી ત્યારથી ફરાર હતો. પેરોલ ફર્લો સ્ક્વોર્ડે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરી, તા. ૧૪/૦૬/૨૦૨૫ ના રોજ મુંબઈ ખાતેથી નાસતા ફરતા આરોપી સાહીલ ઉર્ફે ભનો સફરઅલી હીરાણી (ઉ.વ. ૩૯, ધંધોઃ ડ્રાઈવીંગ, રહે. જાફરાબાદ, તા. જાફરાબાદ, જિ. અમરેલી, હાલ-વાપી, સત્યુ પાર્ક, ફ્લેટ નં. ૧૧૦ (ચલ્લા), તા. વાપી, જિ. વલસાડ) ને ઝડપી પાડ્યો છે. તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે બગસરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.