આંગળીના ટેરવા પર ઊઘડતી દુનિયા મોબાઈલ ફોનની નવી પરિભાષા છે. એને કારણે લાખો નેત્રકમલને હવે બારી બહારનું આકાશ મળતું નથી. હથેળીની સ્ક્રીન પર દેખાતા મેઘધનુના રંગમાં માણસજાતને અભિનવ શિશુકાળનો પુનરપિ ભેટો થયો છે. માણસ એમાં રમતો રહે છે, ભમતો રહે છે ને એમ સાંજ પડી જાય છે. હવે શિયાળાની શરૂઆત થઇ છે. શિયાળાનું પ્રથમ ચરણ હેમંત ઋતુ છે. હેમંત સ્વભાવે જલ તરંગ અથવા તો સિતાર જેવા ધીમા સ્વરની મોસમ છે. એમાં પવનની લહેર સીધી સ્પર્શ કરતી નથી. મેદાનોમાં લહેરાતા ઘાસના ઝુલ્ફાઓમાં અને વૃક્ષોની ઘટાઓમાં અટવાતા-અટવાતા એ પવન આપણી પાસે આવે છે. હેમંત પ્રકૃતિની આપણા તરફની પરોક્ષપ્રીતિ છે. હેમંતમાં બહુ વહેલી સવારે નક્ષત્રોનાં ઝૂમખાં નજરોનજર જોવાની મઝા છે. ધીમે ધીમે ઉગતા ને આથમતા તારાઓનો અભૂતપૂર્વ પ્રવાહ દેખાતો હોય છે. કારણ કે આકાશ એકદમ સ્વચ્છ હોય છે. દૂર દૂરના અનેક તારાઓ હાથ લંબાવવાનું મન થાય એટલો ઉજાસ ધરાવે છે. ક્યાંક તો બાલમંદિર પણ દેખાય છે. સાવ નાનકડા તારલિયાના ટપકાં ટપકાં એકબીજાને અડીને ટોળે વળીને ચાલતા દેખાય છે.
બ્રહ્માંડમાં કુદરતે જાણે કે અગ્નિરેખ લિપિમાં કોઈ રહસ્યમય સંદેશાઓ લખેલા છે. અથવા તો બ્રેઈલ જેવી ટપકાં ટપકાંની લિપિ. પણ એ તો એને ઉકેલનારા મહાપુરુષો આવે ત્યારે સમજાય. આપણી પાસે તો આંખો ઢળી ગયેલા પોપચાંને અને એના પરના ઊંઘના પહાડોને ઉઠાવવાની તાકાત જ ક્યાં છે ? હેમંતની વહેલી સવારે જ્યારે આપણે ઓશિકાને માતાના ખોળાનો દરજ્જો આપીને શિશુ સહજ પોઢી ગયા હોઈએ ત્યારે કોયલ પણ સંભળાય છે. હેમંત ઋતુની વહેલી સવાર આમ તો બહુ વાતોડી છે. જો તમે ખેતરમાં બાંધેલી કોઈ ઝૂંપડીની બહાર ખાટલો નાખીને ચત્તાપાટ સુતા હો તો આકાશ તમારી સાથે અનંતકાલીન વાતો શરૂ કરે. એક શિલ્પકાર જે રીતે આરસના પથ્થર પર બારીક નકશીકામ કરે અને એમાં અખંડ ધીરજ રાખે એ જ રીતે હેમંતની સવારનું આકાશ આપણા અંતઃકરણમાં બહુ બારીક નકશીકામ કરે છે અને બહુ ધીરજ રાખીને આપણા હૃદય પર એ નૂતન સંસ્કારિતાનો અભિષેક કરે છે. આ ઋતુ આપણને શું આપે છે? એક શાકભાજીની લારી ચલાવનારાને પૂછો તો એ કહેશે ફળફળાદિ અને શાકભાજી આપે છે.
પરંતુ એક કલાકારને પૂછો તો એ કહેશે કે જિંદગીના અખંડ આનંદનો પરિચય આપે છે અને આપણને નજીકના સર્વ પ્રિયજનોને વહાલથી વીંટળાઈ વળવાની પ્રેરણા આપે છે. હજુ તો ધુમ્મસની શરૂઆત જ છે તો પણ જુઓ પહાડો પરનો ઢાળ, તળેટીમાં રહેલાં
વૃક્ષોની લીલીછમ ઝૂકેલી ડાળ અને એની નીચેથી વગડામાં લીલો ચારો ચરવા જતાં પશુઓના પગલા મેઘરવામાં ઢંકાયેલા છે. હેમંતની સવાર છે તો ઠંડી પરંતુ એનામાં ભીષણ ટાઢક હજુ નથી. હેમંતનો સ્વભાવ મધ્યમ છે. સંસારમાં જે કંઈ મધ્યમ છે એ સ્વીકારવું બહુ સહેલું છે અને એ બહુ સુખ આપે છે. અલ્પ અને અતિ બહુ દુઃખ આપે છે. પરંતુ મનુષ્ય વારંવાર કોઈ અર્થહીન અલ્પતા કે અતિશયતાનો શિકાર બને છે. ક્યારેક એ એને ગમે પણ છે. અલબત્ત આથી મનુષ્ય અત્યંત દુઃખી થતો જોવા મળે છે. મધ્યમની ઉપાસના એ તો ભગવાન બુદ્ધ જેવા અવતારી પુરુષોનો રાજમાર્ગ છે. હેમંત ઋતુએ એ રસ્તો બતાવેલો છે. હેમંત શિયાળાનો મધ્યમ માર્ગ છે.
એનો અનુભવ મંદ મંદ મલયાનિલ જેવો લાગે. હેમંતનો સ્પર્શ હુંફાળો હોય છે. સામાન્ય રીતે સ્પર્શ ઉષ્માપૂર્ણ હોય છે, પરંતુ હેમંતનો એકલો જ સ્પર્શ શીતળતાનો અનુભવ આપે છે. આવો અનુભવ હેમંત ઋતુ સિવાય સંસારમાં કોઈ આપી શકે તેમ નથી. અંતઘડીએ પત્ની પાસે ઊભી હોય અને અથવા અનેક મૂંઝવણો વચ્ચે અટવાયેલા શિષ્ય પર ગુરુ કથિત સમાધાનની અમૃત વર્ષા થાય ત્યારે જે અનુભવ થાય એ જ અનુભવ હેમંત ઋતુ વહેલી સવારના સ્પર્શમાં આપે છે. હેમંતની સાથે સાથે ચાલવા જેવું છે. હેમંતમાં બહુ વહેલી સવારે નક્ષત્રોનાં ઝૂમખાંઓમાં અભૂતપૂર્વ પ્રવાહિતા હોય છે કારણ કે આકાશ એકદમ સ્વચ્છ હોય છે. આકાશ આમ તો આપણી આંખોનો રોજનો ખોરાક છે. કારણ કે આકાશ આપણા હૃદયને વિશાળતા આપે છે અને મનુષ્ય તરીકે અનિવાર્ય એવી ઉદારતા આપણને આ આકાશ પાસેથી જ મળે છે. એકવાર જેને હેમંતનો પરિચય થાય એની આખા વરસની બધી સવાર સુધરી જાય છે. આપણે ત્યાં અખાડામાં સવારે એક વર્ગ જાય છે. પણ તેમાંના બહુધા લોકો ઉંમરલાયક હોય છે. અખાડો ખરેખર યુવાનો માટે હોય છે. જેમની યુવાનીને અખાડાની દીક્ષા મળે એમની આખી જિંદગીને એક સોનેરી કિનાર લાગી જાય છે. શિયાળાની સંગત થવી હોય તો કારતકના આ દિવસોમાં જ થાય છે. એકવાર હેમંત પસાર થઈ જાય પછી ઘરમાં કે બહાર શિયાળો આકરો લાગે છે. આ વખતે શિયાળો કાતિલ હશે. કારણ કે જમીનમાં ભારે વરસાદી જળ ધર કરી ગયા છે. એટલે ઠરેલી ધરતી દિવસના ઉષ્ણતામાનમાં બહુ તપવાની નથી. એને કારણે આપણી દરેક રાત્રિઓ ઘેરી શીતળતા સાથેની મનોહર હશે. જેમના આરોગ્યનો ધડો નહિ હોય એને માટે આ શિયાળો આસાન નહિ રહે. એક પ્રજા તરીકે આપણે ગુજરાતીઓ સ્વાદના અજબ શોખીન છીએ. અને જ્યારે ચટપટા આસ્વાદ નજર સામે હોય ત્યારે જ્ઞાન બહુ કામ આવતું નથી. રાજ્યમાં દરેક જિલ્લા કેન્દ્રો લગભગ મોટા મેડિકલ સેન્ટરો જ બની ગયા છે. એના પરથી જ ખ્યાલ આવે છે કે આપણી પ્રજાને પહેલા તો આરોગ્યની કંઈ પડી હોતી નથી અને પછી એક પછી એક ડોક્ટરના લાંબા ચકડોળે ચડે છે. હેમંત ઋતુની વહેલી સવાર એ ચક્કરમાંથી બચવા માટે છે.











































