આજે સમગ્ર દેશ ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો છે. સ્વતંત્ર ભારતમાં સ્વતંત્ર બંધારણના અમલ સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા ભારત દેશના દરેક નાગરિકના દિલમાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીનો અનહદ આનંદ હોય જ એ સ્વાભાવિક છે. તમામ શાળા, મહા શાળા અને કોલેજો તેમજ કચેરીઓ અને સંસ્થાઓમાં આપણા દેશની આન, બાન અને શાન સમાન તિરંગો લહેરાવીને એને સલામી આપીને શહીદો અને સ્વાતંત્ર્ય સૈનિકોને યાદ કરીને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિ વ્યક્ત કરવામાં આવે છે. પ્રજાસત્તાક પર્વ માત્ર એક તારીખ નથી, એ આપણા લોકતંત્રની સમજણને યાદ કરાવતો દિવસ છે. ૨૬ જાન્યુઆરીએ ધ્વજ લહેરાય છે, બંધારણના પાનાંઓનું સ્મરણ થાય છે, રાષ્ટ્રગાન ગુંજે છે પરંતુ પ્રશ્ન એ છે કે આ બધાની વચ્ચે લોકોની સમજણ કેટલી ઊંડી છે? કારણ કે કોઈ પણ પ્રજાસત્તાકનું સાચું આયુષ્ય કાયદા પર નહિ, નાગરિકોની સમજણ પર ટકેલું હોય છે. આ દિવસ પૂરતી સીમિત રહી જતી દેશભક્તિ વર્ષભર જીવંત રહે છે કે નહીં? કારણ કે કોઈ પણ પ્રજાસત્તાકનું બળ શસ્ત્રોમાં નહિ, લોકોની સમજણમાં રહેલું હોય છે. બંધારણ આપણને અધિકાર આપે છે, પણ સમજણ આપણને જવાબદાર નાગરિક બનાવે છે. આમ પ્રજાસત્તાક પર્વ માત્ર એક ઔપચારિક ઉજવણી નથી, એ આપણા લોકતંત્રની સમજણને ચકાસતો પર્વ છે.
આઝાદીના અમૂલ્ય સંઘર્ષ પછી આપણે પ્રજાસત્તાક સ્વીકાર્યું. મતાધિકાર મળ્યો, અભિવ્યક્તિની સ્વતંત્રતા મળી, સમાનતાની ખાતરી મળી પરંતુ આ બધું માત્ર લખાયેલા શબ્દોમાં સીમિત રહે તો પ્રજાસત્તાક શોભાયમાન બને છે, જીવંત નહિ. તેને જીવંત રાખે છે સમજદાર નાગરિક. આજે ઘણીવાર અધિકારની વાત વધુ થાય છે, ફરજ પાછળ રહી જાય છે. સ્વતંત્રતા આપણે માગીએ છીએ, પરંતુ શિસ્ત ભૂલી જઈએ છીએ. પ્રશ્ન એ નથી કે આપણે શું મેળવ્યું, પ્રશ્ન એ છે કે આપણે લોકતંત્રને શું આપ્યું? પ્રજાસત્તાકનો અર્થ માત્ર મતદાન નથી, પ્રજાસત્તાકનો અર્થ છે વિચારપૂર્વકનું વર્તન. રસ્તા પરનું શિસ્તબદ્ધ વર્તન, મતભેદમાં સંયમ, વિરોધમાં સંસ્કાર અને સત્તા સામે સત્ય બોલવાની હિંમત આ બધું પ્રજાસત્તાકની સમજણના પરિચય છે. જ્યાં લોકો સમજદાર હોય છે, ત્યાં કાયદાને લાકડી બનીને ઊભું રહેવું પડતું નથી. આપણે આઝાદીના સંઘર્ષના વારસદાર છીએ. સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વ માત્ર પાઠ્યપુસ્તકના શબ્દો નથી, એ જીવવાની સંસ્કૃતિ છે. પરંતુ જ્યારે અધિકારનો અવાજ ઊંચો થાય અને ફરજ મૌન રહે, ત્યારે પ્રજાસત્તાકની આત્મા કચવાય છે. ધ્વજ લહેરાવવો સહેલો છે, બંધારણની ભાવના જાળવવી કઠિન છે. મનન કરીએ તો સમજાય છે કે પ્રજાસત્તાક પર્વ આપણને ઉજવણી કરતાં વધુ આત્મમંથન કરવા બોલાવે છે. શું આપણે જુદી જુદી વિચારધારા વચ્ચે પણ એકબીજાને માન આપી શકીએ છીએ? શું આપણે સ્વતંત્ર અભિપ્રાય સાથે જવાબદારી સ્વીકારી શકીએ છીએ? કારણ કે પ્રજાસત્તાક એક દિવસનો પર્વ નથી, એ રોજની સમજણની પરીક્ષા છે. પ્રજાસત્તાક પર્વ આપણને ગર્વ સાથે જવાબદારી પણ સોંપે છે. આપણે જુદા વિચાર ધરાવતા હોવા છતાં એક દેશ તરીકે જોડાયેલા રહી શકીએ, એ જ પ્રજાસત્તાકની સાચી કસોટી છે. અને જ્યારે લોકોની સમજણ મજબૂત હોય છે, ત્યારે જ ધ્વજ ઊંચો રહે છે ; ફક્ત દંડ પર નહિ, દિલમાં પણ. આજના ૭૭મા પ્રજાસત્તાક પર્વની સૌ વાચકોને ઢેર સારી શુભકામનાઓ.

ધ્વજ હાથમાં લેવો સહેલો છે, દિલમાં બંધારણ ઉતારવું મુશ્કેલ છે;
દેશને પ્રેમ કરવો ભાષણમાં સરળ છે, જીવનમાં નિભાવવું એ સાચી દેશભક્તિ છે.
નારા ગુંજે તો ગર્વ થાય, સમજણ જાગે તો દેશ ઊભો થાય;
પ્રજાસત્તાક જીવંત રહે છે ત્યાં સુધી, જ્યાં નાગરિક પહેલા પોતે જવાબદાર થાય.