યોગી થવું સારું કે ઉપયોગી થવું સારું?
આજના ઝડપી જીવનમાં દરેક વ્યક્તિ પોતાની જવાબદારીઓમાં વ્યસ્ત છે. છતાંય, જ્યારે કોઈ વ્યક્તિ બીજાને મદદ માટે આગળ આવે છે, ત્યારે તે માત્ર એક માનવીય ફરજ પૂરી નથી કરતો, પરંતુ માનવતાની સાચી ઓળખ પણ આપે છે. “હેપી ટુ હેલ્પ” શબ્દમાળાની પાછળ એક ઊંડો સંદેશો છે – બીજાને મદદ કરવા માટે હંમેશાં તૈયાર રહેવું અને તેમાં ખુશી અનુભવવી.મદદની મનમાં અનેરી મજા આવતી હોય છે. ખેરાત કરવાથી ખુશી વધે છે. સમાજમાં સહાનુભૂતિ અને કરુણા એ સદીઓથી માનવીય જીવનના મુખ્ય આધારસ્તંભ રહ્યા છે. નાની નાની મદદ – જેમ કે વૃદ્ધને રસ્તો પાર કરાવી આપવો, અજાણ્યા વ્યક્તિને યોગ્ય માર્ગ બતાવવો કે જરૂરિયાતમંદને સહારો આપવો, તરસ્યાને પાણી પાવું, ભૂખ્યાને ભોજન કરાવવું, અભ્યાગતને આશરો આપવો, યાત્રિકોને ઉતારો આપવો, અબોલ જીવો માટે ખોરાક પાણીની વ્યવસ્થા કરવી, બાળકોને વ્હાલ આપવું, વિદ્યાર્થીઓને શીખવવું, શિષ્યને જ્ઞાન આપવું, વડીલોને માન આપવું, યુવાઓમાં ઉત્સાહ ભરવો, પરિવારને પ્રેમ આપવો, કોઈને રોજગારી આપવી, વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન આપવું, ગરીબ વિદ્યાર્થીઓ માટે ફી ની વ્યવસ્થા કરી આપવી અને મફત પાઠ્યપુસ્તક આપવા, નિરાધારનો આધાર બનવું, અકસ્માત વખતે ૧૦૮ બોલાવી આપવી, દર્દીને દવાખાને પહોંચાડવા, વ્યાજબી ભાવે દવા આપવી, નિઃશુલ્ક નિદાન કેમ્પ કરાવવા, રક્તદાન કરવું, અંગદાન કરવું, ગરીબ બાળકોને વાર તહેવારે મીઠાઈ અને કપડાં વિતરણ, શિયાળાની ઠંડીમાં ધાબળા વિતરણ, સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ, ગામડાઓમાં ટિફિન સેવા, કુદરતી આફતોના સમયમાં રાશન કીટ, ફૂડ પેકેટ વિતરણ, રાહત દરે ચોપડા વિતરણ વગેરે અનેક પ્રકારે લોકોને વ્યક્તિગત રીતે અથવા તો સેવાભાવી સંસ્થાઓના માધ્યમથી સામૂહિક રીતે મદદ કરી શકાય છે. આ ઉપરાંત કોઈના વ્યક્તિગત પ્રસંગમાં કે સામૂહિક, સામાજિક – ધાર્મિક ઉત્સવોમાં તન, મન અને ધનથી સેવારૂપી મદદ કરી શકાય છે. તમારામાં કોઈ સ્કીલ હોય તો તેનો લાભ આપીને વ્યક્તિગત રીતે કે સામાજિક રીતે બહોળા જન સમુદાયને મદદરૂપ થઈ શકાય. કોઈને સારા વિચારોથી પ્રેરણા આપી શકાય, વ્યક્તિગત રીતે કોઈને કૈંક બોલવાનું લખી આપીને કે લખવાનું બોલી આપીને પણ મદદ કરી શકાય છે. નિષ્ફળતાથી નાસીપાસ થયેલાને હિંમત આપીને અને દુઃખની ઘડીમાં કોઈની પડખે અડીખમ ઊભા રહીને તેને મોરલ સપોર્ટ રૂપી મદદ કરી શકાય છે. આ બધું જ જીવનમાં સકારાત્મકતાનો પ્રવાહ જગાવે છે. ઘણીવાર નાની લાગતી આ મદદ કોઈના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. વિજ્ઞાન પણ આ વાતને સમર્થન આપે છે કે મદદ કરવાની ભાવનાથી માનવીના મનમાં સંતોષ, આનંદ અને શાંતિનો અનુભવ થાય છે. મદદ કરતી વખતે મગજમાં ‘હેપ્પીનેસ હોર્મોન્સ’ સક્રિય થાય છે, જેના કારણે માનસિક તાણ ઘટે છે અને જીવનમાં આનંદનું સ્તર વધે છે. “હેપી ટુ હેલ્પ” નો અભિગમ સમાજને વધુ સ્નેહી અને સંવેદનશીલ બનાવે છે.
જો દરેક વ્યક્તિ આ વિચારને જીવનમાં ઉતારે, તો સમાજમાં એકતા, વિશ્વાસ અને પરસ્પર સહયોગનો માહોલ વિકસે. આજે જ્યારે સ્વાર્થપ્રેરિત જીવનશૈલી વધી રહી છે, ત્યારે આ ભાવના વધુ જરૂરી બની ગઈ છે. અંતે કહી શકાય કે “હેપી ટુ હેલ્પ” એ માત્ર એક નારો નથી, પરંતુ જીવનની એવી મૂલ્યપ્રણાલી છે, જે
આપણને બીજાના જીવનમાં પ્રકાશ પાથરવાની તક આપે છે અને સાથે જ પોતાના જીવનને વધુ સંતોષપૂર્ણ બનાવે છે. આમ કોઈને મદદ કરવાથી, શારીરિક અને માનસિક રીતે સકારાત્મક કાર્યમાં સક્રિય રહેવાથી મનમાં મોજ આવે છે, અંતરમાં ખુશી પ્રગટે છે, આનંદ ઉત્સાહ વધે છે, હૃદયમાં રાજીપો રણકે છે, એકબીજા પ્રત્યે સ્નેહ વધે છે, સામાજિક સમરસતા વિકસે છે, પરિણામે સુખી અને સંતોષી તેમજ સ્નેહાળ અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. આમ ‘હેપી ટુ હેલ્પ’ થી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય છે. યોગી થવા કરતા ઉપયોગી થવું વધુ સહેલું છે.
“બીજાને મદદ કરવાથી પોતાનું જીવન વધુ અર્થપૂર્ણ બને છે.”
“નાની મદદ પણ મોટા બદલાવનું બીજ વાવી શકે છે.”