ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિથી ચેતી જવાની જરૂર છે. અનેક શહેરોમાં ધોધમાર વરસાદ ત્રાટકી શકે છે. ત્યારે વડોદરા શહેર પર ફરી પૂરનું સંકટ મંડરાયું છે. આજવા સરોવરમાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીમાં પૂરનો ખતરો મંડરાયો છે. આવામાં આજે શાળાઓમાં રજા જાહેર કરી દેવાઈ છે.હાલ વિશ્વામિત્રી નદીની જળ સપાટી ૧૭ ફૂટ પર પહોંચી છે. આજવા સરોવરની સપાટી ૨૧૩.૧૬ ફૂટે પહોંચી છે. આજવા સરોવર માંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરનું તંત્ર એલર્ટ મોડ પર છે. તેથી આજે તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે. પરિસ્થિતિ પર તંત્રની ચાંપતી નજર છે. વડોદરામાં ભારે વરસાદના પગલે સ્કૂલોમાં આજે રજા અપાઈ છે. જિલ્લા કલેક્ટરે આજે એક દિવસ રજા જાહેર કરી છે. વડોદરા શહેર અને જિલ્લાની તમામ સ્કૂલોમાં આજે રજા જાહેર કરાઈ છે. હવામાન વિભાગે વડોદરામાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. મોડી રાત્રે સાબરમતી નદીમાં ફરી પાણી છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમમાંથી રાત્રે ૧૦ વાગ્યે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક વધવાની શક્યતાએ નદીમાં ૨૫ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમના તંત્રએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લા તંત્રને એલર્ટ કર્યું છે. સાબરમતી નદી કાંઠાના ગામડાના લોકોને સાવચેતી રાખવા વિનંતી કરાઈ છે. ધરોઈ ડેમની ભયજનક ૬૨૨ ફૂટની સપાટી સામે હાલમાં જળ સપાટી ૬૧૮ ફૂટે પહોંચી છે. પાદરા તાલુકામાંથી પસાર થતી મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કડાણા ડેમમાંથી છેલ્લા ૨૪ કલાક દરમિયાન આશરે ૮ લાખ ક્યુસેક પાણી છોડાયા બાદ નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગંભીરા બ્રિજ પાસે પાણીનો સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયો છે. જેના કારણે નદી કાંઠે વસવાટ કરતા લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ભારે પ્રવાહને કારણે કાંઠા વિસ્તારમાં પાણી ઘૂસવાની શક્યતા વધતી જાવા મળી રહી છે. જિલ્લા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પાદરા તાલુકાના નદી કાંઠાના ૧૨ ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને નદી કિનારે ન જવા અપીલ કરવામાં આવી રહી છે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ભારે વરસાદની સ્થિતિથી ચેતી જવાનું કહ્યું છે. આજે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગર આગામી ૪૮ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં જનધનની કાળજી રાખવી. કેટલાક ભાગોમાં પૂર આવે તે પ્રમાણેનો વરસાદ વરસી શકે છે. આ વિસ્તારના ખેડૂત ભાઈઓએ ખેતરમાં પાણીના નિકાલની વ્યવસ્થા કરવી હિતાવહ છે. નીચાણવાળા ઝૂપડપટ્ટીના વિસ્તારોમાં પાથરણાવાળાઓ ખુલ્લામાં શાકભાજી બજાર સાવચેત રહેવાની જરૂર છે.