હનુમાન દાદા જ એકમાત્ર એવા દેવ છે, જેમના કારણે ત્રણેય લોકની કોઈપણ શક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકતી નથી. ઋષિ-મુનિઓ, દેવો અને માનવજાતના રક્ષક એવા હનુમાન દાદાથી સૃષ્ટિમાં કોઇ મોટું કોઈ નથી. દાદા પરમ બ્રહ્મચારી અને દેવ સમાન છે. તો ચાલો આગામી હનુમાન જયંતીના પાવન પ્રસંગે ભારતભરના ૧૧ ઐતિહાસિક અને ચમત્કારિક હનુમાન દાદાના મંદિરોના દર્શને…
(૧) બાલાજી હનુમાન મંદિર ( મહેંદીપુર, રાજસ્થાન ):
રાજસ્થાનના દૌસા જિલ્લા પાસે બે પહાડીની વચ્ચે ઘાટા મહેંદીપુર ગામમાં આવેલું મંદિર હનુમાનજીને સમર્પિત છે. આ મંદિર ભારતમાં એટલું લોકપ્રિય છે કે દર વર્ષે દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ આ મંદિરના દર્શને આવતાં હોય છે. હનુમાનજી બાલાજીના નામે પણ ઓળખાય છે અને તેમના મંદિરની સામે સિયારામને સમર્પિત એક મંદિર પણ છે, જેમાં સિયારામની સુંદર મૂર્તિ છે. એવું મનાય છે કે મહેંદીપુર બાલાજી મંદિર ભક્તોને દુષ્ટ આત્મા અને મુશ્કેલીથી બચાવે છે. અહિંના વિશાળ ખડકમાં હનુમાનજીની આકૃતિ આપોઆપ ઉભરી આવેલી છે, જેને કારણે શ્રી બાલાજી મહારાજ કહે છે. જે હનુમાનજીનું બાળ સ્વરૂપ છે. તેમના પગ પાસે એક નાનું તળાવ છે, જેનું પાણી ક્યારેય ખલાસ થતું નથી. ભગવાન બજરંગબલીની ભક્તિ સમાજ માટે ઉદાહરણ પૂરું પાડે છે. આ મંદિર પોતાના રહસ્યો અને વિચિત્ર દ્રશ્યોના કારણે ભક્તોને અચરજમાં મૂકે છે. પ્રભુકૃપાથી ભક્તો દાદાને નમન કરી ધન્ય થાય છે. આ મંદિરમાં ખાસ કરીને ઉપરી બાધાઓથી પીડિતો આવે છે. હનુમાનજીના ચરણોમાં પહોંચીને પૂર્ણપણે સ્વસ્થ થઈને ઘરે જાય છે. મહેંદીપુર બાલાજી મંદિરમાં લોકો પરિવાર, સંબંધી કે મિત્રો સાથે ઉપરી બાધાથી મુક્તિ મેળવવા આવે છે. મંદિરનો કોઈપણ પ્રસાદ તમે પોતે ખાઈ શકતા નથી અને ન તો કોઈને આપી શકો છો. અહીંથી પ્રસાદને ઘરે લઈ જવાની મનાઈ છે. કોઈ પણ જાતની ખાવા-પીવાની ચીજો કે સુગંધિત ચીજને તમે અહીંથી ઘરે લઈ જઈ શકતા નથી.મહેંદીપુર બાલાજી મંદિરમાં ઉપરી બાધાના નિવારણ માટે આવનારાની સંખ્યામાં વધારો રહે છે. અહીં પ્રેતરાજ સરકાર અને ભૈરવ બાબાની મૂર્તિ પણ છે. અહીં દરરોજ ૨ વાગે પ્રેતરાજ સરકારના દરબારમાં કીર્તન યોજાય છે અને લોકો પર આવેલા ઉપરી આત્માના પ્રભાવને દૂર કરાય છે. આ મંદિરમાં બાલાજીની મૂર્તિની સામે ભગવાન રામ-સીતાની મૂર્તિ પણ છે. બાલાજી હંમેશાં પોતાના આરાધ્યના અહીં દર્શન કરતા રહે છે. અહીં હનુમાનજી પોતાના બાલરૂપમાં વિરાજિત છે. અહીં આવનારા ભાવિકો માટે નિયમ છે કે તેઓએ ઓછામાં ઓછા એક અઠવાડિયા પહેલાંથી ડુંગળી, લસણ, નોનવેજ અને દારૂનું સેવન બંધ કરવું પડે છે.
(૨) બાલાજી હનુમાન મંદિર ( સાલાસર, રાજસ્થાન ) ઃ
હનુમાનજીનું આ મંદિર રાજસ્થાનના ચુરુ જિલ્લાના સાલાસર ગામમાં આવેલું હોઇ, સાલાસર બાલાજી હનુમાનના નામે ઓળખાય છે. બાલાજી ભગવાન હનુમાનનું એક સ્વરૂપ છે. અહીં સ્થિત હનુમાનજીની મૂર્તિ દાઢી અને મૂછથી સુશોભિત છે. દૂર-દૂરથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીં આવે છે અને ઈચ્છિત વરદાન મેળવે છે. મંદિરના સ્થાપક શ્રી મોહનદાસજીને બાળપણથી જ શ્રી હનુમાનજી પ્રત્યે અપાર ભક્તિ હતી. સાલાસરના મોહન દાસજી મહારાજ ભગવાન બાલાજીના ભક્ત હોઇ, તેમની ભક્તિથી પ્રસન્ન થઈ એકવાર બાલાજી ભગવાને તેમના સપનામાં આવી અસોટા ગામમાં પોતે મૂર્તિ સ્વરૂપે પ્રગટ થશે તેમ કહ્યું હતું. આ ગામમાં જ્યારે એક ખેડૂતે તેના ખેતરમાં હળ ચલાવ્યું ત્યારે જમીનમાંથી તેમને કોઈ અવાજ આવ્યો. આ અવાજ સાંભળી તેણે ત્યાં ખોદકામ કર્યું તો ત્યાંથી બે મૂર્તિ નીકળી. આ મૂર્તિ પરથી જ્યારે ખેડૂતની પત્નીએ માટી સાફ કરી ત્યારે જાણ થઈ કે તે બાલાજી હનુમાનની મૂર્તિ છે. પતિ પત્નીએ શ્રદ્ધાથી તેમને પ્રણામ કર્યા અને તેમને બાટી અને ચુરમાનો ભોગ ધરાવ્યો. ત્યારથી આજ સુધી બાલાજી હનુમાનને ચુરમા અને બાટીનો ભોગ ચઢાવાય છે. બાલાજી હનુમાન સંવત ૧૮૧૧માં શ્રાવણ માસના શુક્લ પક્ષની નવમીના દિવસે પ્રગટ થયા હતા. ખેતરમાંથી મૂર્તિ પ્રગટ થયાની વાત તુરંત ગામમાં ફેલાઈ અને તે દિવસે રાત્રે અસોટા ગામના ઠાકુરના સપનામાં ભગવાન બાલાજી આવ્યા અને તેને આદેશ કર્યો કે તેમની મૂર્તિ બળદગાડામાં રાખી અને સાલાસર મોકલવી અને ત્યાં પહોંચ્યા પછી આ ગાડીને કોઈ ચલાવે નહીં. જ્યાં ગાડું અટકી જાય ત્યાં મૂર્તિની સ્થાપના કરવી. ભગવાનના આદેશ અનુસાર ઠાકુરે એમ કર્યું અને સાલાસરમાં ભગવાનની મૂર્તિની સ્થાપના કરાઇ. આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન બાલાજી દાઢી અને મૂછ સાથે બિરાજે છે. ખેડૂતને જમીનમાંથી જે બે મૂર્તિઓ મળી, તેમાંની એક મૂર્તિને સાલાસરમાં સ્થાપિત કરાઇ અને બીજી મૂર્તિને ભરતગઢના પાબોલામમાં સ્થાપિત કરાઇ હતી. આ સ્થળ સાલાસરથી અંદાજે ૨૫ કિમીના અંતરે આવેલું છે. સાલાસરમાં મૂર્તિની સ્થાપના બાદ એક ધૂણો પ્રજ્વલિત કરાયો હતો, જે આજે પણ પ્રજ્વલિત છે. આ ધૂણાની રાખ લોકો પ્રસાદરુપે લઈ જાય છે અને તેનાથી તેમના દુઃખ દર્દ દૂર થાય છે.
(૩) પંચમુખી હનુમાન મંદિર ( રતનપુર, ગુજરાત ):
ગુજરાતના બનાસકાંઠાના શિહોરીના રતનપુરા ગામમાં ૫ હજાર વર્ષ પ્રાચીન પૌરાણિક પંચમુખી હનુમાનનું મંદિર આવેલું છે. મંદિર ડીસા-રાધનપુર હાઇવે રોડ પર આવેલું છે. બનાસકાંઠામાં અનેક એવાં મંદિર આવેલાં છે, જે ઈતિહાસ સાથે સંકળાયેલાં છે. રતનપુરમાં ૫ હજાર વર્ષ પહેલાં સ્વયંભૂ પ્રગટ થયેલા હનુમાન દાદાના મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. દર શનિવારે ૩ થી ૪ હજાર લોકો દર્શન કરવા આવે છે. આ મંદિર સાથે કંકાવટી નગરીનો ઇતિહાસ જોડાયેલો છે. ૧૯૮૮માં વસંતપંચમીના દિવસે મંદિરની પ્રતિષ્ઠા કરાઈ હતી. મંદિરે પંચમુખી દાદાના દર્શને દર શનિવારે દૂર-દૂરથી ૩ થી ૪ હજાર લોકો દર્શનાર્થે આવે છે. આ મંદિરે ભારે ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે. મંદિરમાં સ્વયંભૂ પ્રગટ થયેલી જૂની મૂર્તિ પણ જોવા મળે છે. ગામ લોકોએ પંચમુખી હનુમાનની નવી મૂર્તિની પણ સ્થાપના કરી છે. અત્યારે મંદિરમાંં નવી અને જૂની એમ પંચમુખી હનુમાનની બંને મૂર્તિની પૂજા થાય છે. મંદિર સાથે જોડાયેલી લોકવાયકા મુજબ આ મંદિર પાસેથી કોઈ પ્રેગનેન્ટ મહિલા પસાર થાય અને બાળકના જન્મ બાદ એ મહિલા બાળકને લઈ પંચમુખી હનુમાન મંદિરે વડાની પ્રસાદ ધરી દર્શન કરે છે. આ મંદિર સાથે અનેક લોકોની આસ્થા અને શ્રદ્ધા જોડાયેલી છે. વસંત પંચમીના દિવસે મંદિરે પ્રતિષ્ઠા રખાય છે. મોટો લોકમેળો ભરાય છે. ગામના લોકો સાથે મળી ભોજન પ્રસાદનું આયોજન કરે છે.