“વોકલ ફોર લોકલ” અને “હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી”ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનને સ્વદેશી (Swadeshi)ના પ્રતિક ખાદી ને પ્રોત્સાહન દ્વારા સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “વોકલ ફોર લોકલ” અને “હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી” માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ આપેલા આહ્વાનને ઝિલી લઈને સ્વદેશીની પ્રતિક ખાદીમાં ગાંધી જયંતીથી રાજ્યમાં માતબર વળતર આપવાનો અભિગમ અપનાવ્યો છે.

તેમણે આ સંદર્ભમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ખાદીના વિચારને સાચા અર્થમાં સાકાર કરીને સ્વદેશી ઉત્પાદન ખાદી અને પોલીવસ્ત્રની ઉત્પાદનની કિંમત ઉપર ગાંધી જયંતી ૨ ઓક્ટોબર ૨૦૨૫થી ૩૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાનો નિર્ણય કર્યો છે. ગ્રાહકોને ખાદી ખરીદી ઉપર આ લાભ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી વળતર તરીકે મળશે.

વડાપ્રધાને “ખાદી ફોર ફેશન–ખાદી ફોર નેશન”ના ધ્યેય સાથે આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારત માટે વધુને વધુ સ્વદેશી ચીજ વસ્તુઓના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગના આપેલા વિચારને ખાદીમાં વળતરના આ નિર્ણયથી વેગ મળશે.

ગાંધી જયંતી નિમિત્તે ૩૦ ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય જાહેર થવાથી રાજ્યમાં ખાદી અને પોલીવસ્ત્રના ઉત્પાદન સાથે સંકળાયેલી સંસ્થાઓ, મંડળીઓના કારીગરો દ્વારા ઉત્પાદિત થતા આસન, શેતરંજી, રેશમ પટોળા, ઉની સ્વેટર, જર્સી, શાલ તેમજ ખાદીના વિવિધ રેડીમેઈડ ગારમેન્ટ અને હાથ બનાવટની ચીજ વસ્તુઓના વેચાણમાં વધારો થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે ખાદી અને ગ્રામોદ્યોગની બનાવટો-વસ્તુઓનું ઉત્પાદન-વેચાણ કરનારા ગ્રામીણ કારીગરોના ઘરમાં દિવાળી નો આર્થિક ઉજાસ પથરાશે.

ગાંધી જયંતીના ઉપલક્ષ્યમાં ભરૂચ-ચીખલી-વાપીમાં ખાદી પ્રદર્શન સહ વેચાણ મેળા યોજાશે રાજ્યમાં ખાદી-પોલીવસ્ત્રના વેચાણ અને પ્રોત્સાહન આપવા ગાંધી જયંતી નિમિત્તે વિવિધ સ્થળોએ પ્રદર્શન સહ વેચાણ મેળા ખાદી બોર્ડ દ્વારા યોજવામાં આવે છે.

આ વર્ષે ગાંધી જયંતી અવસરે ૫ ઓક્ટોબર ૨૦૨૫ થી ૧૪ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન ભરૂચ , પાંચ નવેમ્બર ૨૦૨૫ થી ૧૪ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન ચીખલી અને ૧૬ નવેમ્બર ૨૦૨૫ થી ૨૫ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન વાપી Vapi ખાતે પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરવામાં આવેલું છે.