સાવરકુંડલા ખાતે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ સંગઠન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પક્ષની વિચારધારાથી પ્રભાવિત થઈને ૨૦થી વધુ નામી વકીલો વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેમાં હિંમતભાઈ બગડા, અમિતભાઈ રાઠોડ, ગોપાલભાઈ વિરાણી અને ઈરફાનભાઈ સુમરા જેવા અનુભવી એડવોકેટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત લલિતભાઈ ચૌહાણ, અતુલભાઈ ડાભી અને અશોકભાઈ વિંઝુડા સહિતના કાયદાકીય ક્ષેત્રના અગ્રણીઓએ પણ પક્ષનો છેડો પકડ્યો હતો. વકીલોની સાથે સાથે સાવરકુંડલા તાલુકાના ખેડૂત પિયુષભાઈ સાવલિયા, ભરતભાઈ સાવલિયા અને રાહુલભાઈ મોલડીયાએ પણ પક્ષમાં પ્રવેશ કર્યો હતો. મનોજભાઈ સોરઠીયા અને દિલ્હીના પૂર્વ મેયર મહેશભાઈ ખીશીએ આ તમામ નવનિયુક્ત સભ્યોને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ જોડાણથી સ્થાનિક સ્તરે પાર્ટીના સંગઠનને નવી ગતિ અને મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.










































