અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે હથિયારો જમા કરાવવા અંગેનું એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્‌યું છે. આ કડક આદેશનો મુખ્ય હેતુ સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાનો તેમજ આગામી ચૂંટણી પ્રક્રિયા એકદમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ બહાર પાડવામાં આવેલા આ સત્તાવાર જાહેરનામા મુજબ જિલ્લાની ૧૭ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના વિસ્તારોમાં કોઈપણ સામાન્ય વ્યક્તિ શસ્ત્ર અધિનિયમ ૧૯૫૯ની કલમ-૨ હેઠળ આવતું કોઈપણ પ્રકારનું ઘાતક હથિયાર ધારણ કરી શકશે નહીં. ચૂંટણી હેઠળના વિસ્તારોમાં રહેતા અને જિલ્લા બહારથી પરવાના મેળવેલા તમામ હથિયાર ધારકોએ આ જાહેરનામું અમલમાં આવ્યાના માત્ર ૭ દિવસની અંદર જ પોતાના હથિયારો સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરજિયાત પણે જમા કરાવવાના રહેશે. આ જમા કરાયેલા તમામ હથિયારો શસ્ત્ર નિયમો-૨૦૧૬ના નિયમ ૪૭ અને ૪૮ હેઠળ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અત્યંત સુરક્ષિત રીતે રાખવામાં આવશે અને સમગ્ર ચૂંટણી આચારસંહિતાનો સમયગાળો પૂર્ણ થયા બાદ નિયમ મુજબ પરત કરવામાં આવશે.